RBI Bank Holiday List: જૂન મહિનો ટૂંક સમયમાં શરૂ થઈ રહ્યો છે. જો તમારે આગામી મહિનામાં બેંક શાખાની મુલાકાત લઈને ચેકબુક મેળવવી, પાસબુક અપડેટ કરાવવી અથવા લોન સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ પતાવવું હોય, તો તમારું નાણાકીય આયોજન અત્યારથી જ કરી લો. ભારતીય રિઝર્વ બેંકે (Reserve Bank of India – RBI) જૂન 2026 માટે સત્તાવાર રજાઓનું કેલેન્ડર જાહેર કરી દીધું છે. જૂન મહિનામાં દેશભરમાં કુલ 11 દિવસ બેંક શાખાઓમાં તાળા લટકેલા રહેશે. રજાઓની આ લાંબી યાદીમાં બીજા અને ચોથા શનિવાર તેમજ રવિવારની નિયમિત સાપ્તાહિક રજાઓનો સમાવેશ થાય છે. આ સિવાય મોહરમ (Muharram) અને અન્ય પ્રાદેશિક તહેવારો જેવા ખાસ પ્રસંગોએ પણ બેંક કર્મચારીઓ માટે રજા રહેશે.
આ કારણોસર 11 દિવસ બેંકિંગ કામકાજ રહેશે બંધ
આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર, બેંક રજાઓને ત્રણ અલગ-અલગ શ્રેણીઓમાં વહેંચવામાં આવે છે. રાષ્ટ્રીય રજાઓ ઉપરાંત ઘણી રજાઓ ચોક્કસ રાજ્યના પ્રાદેશિક તહેવારો પર આધારિત હોય છે, જેની સીધી અસર તે વિસ્તારના ગ્રાહકો પર પડે છે. જૂન 2026ના કેલેન્ડર પર નજર કરીએ તો 7, 14, 21 અને 28 તારીખે રવિવારની સાપ્તાહિક રજા રહેશે. જ્યારે 13 જૂને બીજા શનિવાર અને 27 જૂને ચોથા શનિવારના કારણે દેશભરની તમામ બેંક શાખાઓ બંધ રહેશે. બાકીની રજાઓ જુદા-જુદા રાજ્યોના મહત્વના સ્થાનિક ઉત્સવોના આધારે નક્કી કરવામાં આવી છે.
આરબીઆઈની સંપૂર્ણ હોલિડે લિસ્ટ
દેશભરમાં 7, 13, 14, 21, 27 અને 28 જૂને નિયમિત રજાઓ રહેશે. આ ઉપરાંત, 1૫ જૂને રાજા સંક્રાંતિ અને વાયએમએ ડે ના કારણે ઓડિશા અને મિઝોરમમાં બેંકો બંધ રહેશે. 25 જૂને આંધ્રપ્રદેશમાં મોહરમની રજા રહેશે. જ્યારે 26 જૂને ત્રિપુરા, મિઝોરમ, મહારાષ્ટ્ર , કર્ણાટક, મધ્યપ્રદેશ, તમિલનાડુ, તેલંગાણા, જમ્મુ-કાશ્મીર, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, નવી દિલ્હી, બિહાર, છત્તીસગઢ અને ઝારખંડમાં મોહરમના લીધે બેંકો બંધ રહેશે. 29જૂને સંત ગુરુ કબીર જયંતિ (Sant Guru Kabir Jayanti) નિમિત્તે હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) માં અને 30 જૂને રેમના નિ તહેવારના કારણે મિઝોરમમાં રજા રહેશે.
ડિજિટલ બેંકિંગ સેવાઓ બનશે ગ્રાહકોનો મોટો સહારો
બેંકો 11 દિવસ બંધ રહેવાનો અર્થ એ બિલકુલ નથી કે તમારા રોજિંદા નાણાકીય વ્યવહારો સંપૂર્ણપણે અટકી જશે. રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું છે કે ભલે શાખાઓ બંધ રહેશે, પરંતુ ગ્રાહકોની સુવિધા માટે તમામ ડિજિટલ સેવાઓ ચોવીસે કલાક કાર્યરત રહેશે. તમે યુપીઆઈ (UPI), નેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ એપ અને એટીએમ જેવી સુવિધાઓનો ઉપયોગ કોઈપણ અડચણ વગર કરી શકશો. આનાથી નાણાં ટ્રાન્સફર કરવા અથવા બિલ ચૂકવવામાં કોઈ સમસ્યા નહીં થાય. તેમ છતાં, જે કામો માત્ર બેંક શાખામાં જઈને જ થઈ શકે છે, તેમને સમયસર પૂર્ણ કરી લેવા એ જ તમારા માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ રહેશે.













