Gujarat24

સૂર્યા આઉટ, વૈભવ ઈન! એશિયન ગેમ્સ 2026 માટે બીસીસીઆઈનો માસ્ટરપ્લાન

Share On :

Cricket News

Team India: આ વર્ષે 17 સપ્ટેમ્બરથી જાપાનમાં એશિયન ગેમ્સ 2026નું આયોજન થવા જઈ રહ્યું છે. આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં રમાનારી T20 ક્રિકેટ મેચો માટે બીસીસીઆઈ દ્વારા 30 સંભવિત ખેલાડીઓની યાદી તૈયાર કરી લેવામાં આવી છે. આ યાદીમાં સૌથી મોટો ઉલટફેર જોવા મળ્યો છે. સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને આ યાદીમાંથી બહાર રાખવામાં આવ્યા છે, જ્યારે આઈપીએલના યુવા સનસનાટીભર્યા ખેલાડી વૈભવ સૂર્યવંશીને સ્થાન મળ્યું છે. રમતગમત પત્રકાર હેમંત રસ્તોગીના અહેવાલ મુજબ, સૂર્યકુમાર યાદવની ગેરહાજરીનો અર્થ એ છે કે તેઓ એશિયાડ 2026માં ભારતીય ટીમના કેપ્ટન નહીં હોય. BCCI ટૂંક સમયમાં જ આ 30 સંભવિતોમાંથી અંતિમ ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરશે.

એશિયાડ માટે 30 સંભવિત ખેલાડીઓની યાદી
ભારતીય મેન્સ T20 ક્રિકેટ ટીમ એશિયન ગેમ્સની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. ચીનમાં યોજાયેલી છેલ્લી એશિયન ગેમ્સમાં ભારતે ઋતુરાજ ગાયકવાડની કપ્તાની હેઠળ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વખતે તે વિજેતા ટીમના 9 સભ્યોને ફરીથી સંભવિત યાદીમાં સ્થાન અપાયું છે. આ સિવાય ઋષભ પંત, શ્રેયસ અય્યર અને યશસ્વી જયસ્વાલ જેવા સિનિયર ખેલાડીઓનો પણ સમાવેશ કરાયો છે.

સંભવિત ખેલાડીઓની સંપૂર્ણ યાદીમાં ઇશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, વૈભવ સૂર્યવંશી, શ્રેયસ અય્યર, ઋષભ પંત, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, હાર્દિક પંડ્યા, અનુકૂલ રોય, અક્ષર પટેલ, રિંકુ સિંહ, જસપ્રિત બુમરાહ, હર્ષ દુબે, ધ્રુવ જુરેલ, તિલક વર્મા, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, શાહબાઝ અહમદ, શિવમ દુબે, વિપ્રજ નિગમ, વોશિંગ્ટન સુંદર, યશસ્વી જયસ્વાલ, યશ ઠાકુર, સંજુ સેમસન, નીતિશ રેડ્ડી, પ્રસિદ્ધ ક્રિષ્ના, ખલીલ અહમદ, હર્ષિત રાણા, આયુષ બદોની અને અભિષેક શર્માનો સમાવેશ થાય છે.

સૂર્યકુમાર યાદવની જગ્યાએ કોણ બનશે T20 કેપ્ટન?
સૂર્યકુમાર યાદવ ટીમમાં ન હોવાને કારણે હવે કેપ્ટનશિપની રેસ ખુલ્લી થઈ ગઈ છે. એશિયન ગેમ્સ 2026માં ટીમની કમાન સંભાળવા માટે શ્રેયસ અય્યર, સંજુ સેમસન અને ભૂતપૂર્વ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડના નામ સૌથી મોખરે ચાલી રહ્યા છે. જોકે, કપ્તાનીનો આખરી નિર્ણય સેલેક્ટર્સ અને બીસીસીઆઈ દ્વારા જ લેવામાં આવશે.

એશિયન ગેમ્સ પહેલા જ વૈભવ સૂર્યવંશીનું ડેબ્યૂ શક્ય
આઈપીએલ 2026માં ધમાકેદાર પ્રદર્શન કરનાર વૈભવ સૂર્યવંશીને લઈને ભારે ઉત્સાહ છે. અહેવાલો મુજબ, એશિયન ગેમ્સ પહેલા જ વૈભવ સિનિયર ટીમ ઈન્ડિયા સાથે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરી શકે છે. ભારત આગામી સમયમાં આયર્લેન્ડ, ઇંગ્લેન્ડ, ઝિમ્બાબ્વે અને શ્રીલંકાના પ્રવાસે જવાનું છે, જ્યાં વૈભવને તક મળી શકે છે. ભારત 26 જૂનથી આયર્લેન્ડ સામે 2 T 20, જુલાઈમાં ઈંગ્લેન્ડ સામે ૫ T 20 અને 3 વનડે, 23 જુલાઈથી ઝિમ્બાબ્વે સામે 3 T 20 અને ઓગસ્ટમાં શ્રીલંકા સામે 2 T20 મેચ રમશે.

માત્ર કેપ્ટન જ નહીં, હેડ કોચ પણ બદલાશે
એશિયન ગેમ્સ 2026 દરમિયાન ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર ઉપલબ્ધ નહીં હોય અને તેમની જગ્યાએ વી.વી.એસ. લક્ષ્મણ કોચની ભૂમિકા ભજવશે. આ ફેરફાર ભારતીય ટીમના વ્યસ્ત શેડ્યૂલને કારણે થયો છે. જાપાનમાં એશિયન ગેમ્સની મેન્સ ક્રિકેટ મેચો 24 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર દરમિયાન રમાશે. આ જ ગાળામાં, એટલે કે 27 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર વચ્ચે ભારતની મુખ્ય ટીમે ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ સામે 3 વનડે મેચોની સિરીઝ રમવાની છે. આથી ગંભીર ભારતમાં વેસ્ટ ઈન્ડિઝ સામે મોરચો સંભાળશે, જ્યારે લક્ષ્મણ જાપાનમાં ટીમ સાથે રહેશે.