Gujarat24

ભગવાનની ભક્તિમાં માત્ર શ્રદ્ધા જ નહીં, પણ આરતી ઉતારવાની સાચી પદ્ધતિનું પણ છે વિશેષ મહત્વ

Share On :

Importance of Aarti

Aarti Rituals: હિંદુ ધર્મમાં પૂજા-પાઠ અને ભક્તિનું વિશેષ સ્થાન છે. કોઈપણ પૂજા કે અનુષ્ઠાનના અંતે આરતી (Aarti) કરવામાં આવે છે. સામાન્ય રીતે આપણે મંદિરોમાં કે ઘરે દીવો પ્રગટાવીને ભગવાનની આરતી ઉતારતા હોઈએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે આરતી ઉતારવા માટે પણ શાસ્ત્રોમાં એક ચોક્કસ ગણિત અને વિધિ બતાવવામાં આવી છે? શાસ્ત્રો અનુસાર, આરતી કુલ 14 વાર ઉતારવી જોઈએ, જે ‘4+2+1+7’ ના ક્રમમાં વહેંચાયેલી છે.

શાસ્ત્રોમાં ઉલ્લેખિત આરતીનો શ્લોક
ધાર્મિક ગ્રંથોમાં આરતી કરવાની સાચી રીત સમજાવતો એક સંસ્કૃત શ્લોક (Sanskrit Shloka) પ્રચલિત છે:
“આદૌ ચતુષ્પાદતલે ચ વિષ્ણોઃ, દ્વૌ નાભિદેશે મુખમણ્ડલેકમ્.
સર્વેષ્વઙ્ગેષુ ચ સપ્તવારં, આરાર્ત્રિકં ભક્તજનઃ કુર્યાત્॥”
આ શ્લોક સૂચવે છે કે ભગવાન વિષ્ણુ (Lord Vishnu) સહિત તમામ દેવી-દેવતાઓની આરતી એક વિશિષ્ટ ક્રમમાં કરવી જોઈએ, તો જ પૂજા સંપૂર્ણ ગણાય છે.

14 વાર આરતી ફેરવવાનું ગણિત (The Mathematics of 14 Times)
શાસ્ત્રોક્ત વિધિ મુજબ આરતીને ચાર તબક્કામાં વહેંચવામાં આવી છે:

ચરણોમાં 4 વાર: સૌથી પહેલા ભગવાનના ચરણો (Feet) પાસે દીવો 4 વાર ફેરવવો જોઈએ. આ નમ્રતા અને સંપૂર્ણ સમર્પણનું પ્રતીક છે.

નાભિ પાસે 2 વાર: ત્યારબાદ ભગવાનની નાભિ (Navel) સામે 2 વાર આરતી ઉતારવી જોઈએ. નાભિને સૃષ્ટિ અને જીવન ઊર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે.

મુખ મંડળ પાસે 1 વાર: ત્રીજા ચરણમાં ભગવાનના મુખ (Face) સામે 1 વાર દીવો ફેરવવો જોઈએ. આ ભગવાનના તેજ અને દિવ્ય આભા પ્રત્યે સન્માન દર્શાવે છે.

સમગ્ર શરીર પર 7 વાર: છેલ્લે, ભગવાનના મસ્તકથી લઈને ચરણો સુધી સમગ્ર શરીરની આસપાસ 7 વાર આરતી ફેરવવામાં આવે છે.
આમ, 4+2+1+7 ને જોડતા કુલ 14 ની સંખ્યા થાય છે, જે આરતીની પૂર્ણાહુતિ ગણાય છે.

‘ૐ’ ની આકૃતિનું મહત્વ
આરતી કરતી વખતે દીવાને એવી રીતે ફેરવવો જોઈએ કે હવામાં ‘ૐ’ (Om Symbol) જેવી આકૃતિ બને. હિંદુ ધર્મમાં ‘ૐ’ ને બ્રહ્માંડનો સૌથી પવિત્ર ધ્વનિ માનવામાં આવે છે. જ્યારે ભક્ત આ પ્રકારે આરતી કરે છે, ત્યારે પૂજા વધુ પ્રભાવશાળી અને શુભ બને છે.

આધ્યાત્મિક મહત્વ (Spiritual Significance)
આરતી માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ ભક્ત અને ભગવાન વચ્ચે જોડાણનું માધ્યમ છે. આરતીની જ્યોત (Flame) નકારાત્મકતા દૂર કરી હકારાત્મક ઊર્જા પ્રસરાવે છે. શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવેલી આરતી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે.