Gujarat24

માણેકચોકમાં ધોળા દિવસે મોટી ચોરી: જ્વેલરની નજર ચૂકવી ગઠિયાઓ સોનાનું બોક્સ સરકાવી ગયા!

Share On :

Gujarat Crime News

Ahmedabad Crime: અમદાવાદના ઐતિહાસિક અને ગીચ વેપારી વિસ્તાર ગણાતા માણેકચોકમાં એક ચોંકાવનારી અને શાતિર ચોરીની ઘટના સામે આવી છે. ભીડભાડવાળા વિસ્તારમાં ધોળા દિવસે એક જ પેટર્નથી દાગીનાની ચોરી થવાની આ સતત બીજી ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓ અને પ્રજામાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. જ્વેલરીના એક વેપારી પોતાના પરિવારના તેમજ પોતાની પેઢીના અંદાજે ₹9.61 લાખની કિંમતના સોના અને પ્લેટિનમના કિંમતી દાગીના રિપેરિંગ અર્થે એક બેગમાં મૂકીને ચાલતા જઈ રહ્યા હતા. આ દરમિયાન બે રીઢા ચોરોએ અત્યંત ચાલાકીપૂર્વક નજર ચૂકવી, ચાલુ ચાલવા દરમિયાન જ બેગની ઝિપ (ચેન) ખોલી નાખી હતી અને અંદર મુકેલું ઘરેણાંનું બોક્સ સરકાવીને રફુચક્કર થઈ ગયા હતા. સમગ્ર સનસનાટીભરી ઘટના નજીકની દુકાનોના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

મળતી વિગતો અનુસાર, નિકોલ વિસ્તારમાં રહેતા અને વ્યવસાયે જ્વેલર્સ ચલાવતા 43 વર્ષીય ભાવેશભાઈ રસિકભાઈ પટેલ ગત 29 મેના રોજ બપોરે પોતાના પરિવારના તેમજ જ્વેલર્સ પેઢીના કિંમતી દાગીના રિપેરિંગ કરાવવા માટે માણેકચોક જવા નીકળ્યા હતા. તેમની બેગમાં રાખેલા પ્લાસ્ટિકના બોક્સમાં અલગ-અલગ કિંમતી ઘરેણાં હતા. જેમાં તેમની માતા ગૌરીબેનની 25 ગ્રામની સોનાની તુલસીમાળા, પત્ની ડિમ્પલબેનનો 15.5ગ્રામનો સોનાનો હાથપંજો અને 6.5 ગ્રામની લાલ નંગવાળી સોનાની વીંટી, સાળી હેતલબેનનું 11 ગ્રામનું સોનાનું બ્રેસલેટ તેમજ જ્વેલર્સ પેઢીની આશરે 80 થી 90 નંગ સોનાની ચૂનીઓ અને 3.5ગ્રામનું પ્લેટિનમનું પેન્ડન્ટ સામેલ હતું. આ તમામ ઘરેણાંની કુલ અંદાજિત કિંમત ₹9,61,525જેટલી થવા જાય છે.

ભાવેશભાઈ બપોરે સૌપ્રથમ રતનપોળમાં આવેલી શેઠની પોળ ખાતે તેમના એક મિત્રને તેની ઓફિસે મળવા માટે ગયા હતા. મિત્ર સાથે મુલાકાત પૂર્ણ કર્યા બાદ બપોરે આશરે પોણા બે વાગ્યાની આસપાસ તેઓ ત્યાંથી પગપાળા માણેકચોક જવા માટે રવાના થયા હતા. બપોરે અઢી વાગ્યાની આસપાસ જ્યારે તેઓ માણેકચોક પહોંચ્યા, ત્યારે રસ્તામાં કોઈ અજાણ્યા રાહદારીએ તેમનું ધ્યાન દોર્યું કે તેમની પીઠ પર ભરાવેલી બેગની ચેન ખુલ્લી છે. આ સાંભળીને ભાવેશભાઈ ચોંકી ગયા હતા અને તેમણે તાત્કાલિક બેગ તપાસતા અંદરથી દાગીના ભરેલું પ્લાસ્ટિકનું આખું બોક્સ ગાયબ હતું. રતનપોળથી માણેકચોક વચ્ચેના અત્યંત વ્યસ્ત માર્ગ પર કોઈ ગઠિયાએ તેમની નજર ચૂકવી ચોરીને અંજામ આપ્યો હતો.

આ ઘટના બાદ ભાવેશભાઈએ તાત્કાલિક સ્થાનિક પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને ઘટનાસ્થળ અને રસ્તામાં આવતી વિવિધ દુકાનોના સીસીટીવી ફૂટેજ એકત્ર કર્યા હતા. સીસીટીવી ફૂટેજની તપાસ દરમિયાન ચોરીની આખી લાઈવ ઘટના કેદ થયેલી જોવા મળી હતી. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે વેપારી જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે, ત્યારે બે શંકાસ્પદ શખ્સો તેમની પાછળ ખૂબ જ નજીકથી આવી રહ્યા છે. ભીડનો લાભ લઈને તેમાંથી એક શખ્સે ચાલતા ચાલતા જ ખૂબ જ હળવા હાથે વેપારીની બેગની ચેન ખોલી નાખી હતી અને ક્ષણભરમાં જ દાગીનાનું બોક્સ બહાર કાઢી લીધું હતું. બોક્સ હાથમાં આવતા જ બંને શખ્સો ત્યાંથી ઝડપથી ફરાર થઈ ગયા હતા. ધોળા દિવસે બજારોની વચ્ચે બનેલી આ ઘટનાથી પોલીસ પેટ્રોલીંગ સામે પણ સવાલો ઉભા થયા છે. હાલ પોલીસે સીસીટીવીના આધારે ચોરોનું પગેરું મેળવવા અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.