Police Brutality: અમદાવાદના પંચવટી વિસ્તારમાં નાની કેબિન ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા એક અંધ દિવ્યાંગ આધેડને પોલીસ સ્ટેશનની અંદર જ ઢોર માર મારવામાં આવ્યો હોવાની કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. કાયદો અને વ્યવસ્થાના રક્ષક ગણાતી પોલીસનો આવો ક્રૂર ચહેરો જોઈને સમગ્ર માનવતા શરમાઈ ગઈ છે. ભોગ બનનાર પ્રજ્ઞાચક્ષુ આધેડ ગોપાલભાઈ શાંતિલાલભાઈ દરજીને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની અંદર જ એક મહિલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર દ્વારા નિર્દયતાપૂર્વક લાફા, લાતો અને લાકડી વડે ફટકારવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. આ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ગોપાલભાઈને હાલમાં તાત્કાલિક સારવાર માટે જીવરાજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે, જે પોલીસ મથકની અંદર આ આખોય અમાનુષી કાંડ ખેલાયો, તે ગુજરાત યુનિવર્સિટી પોલીસના ઉચ્ચ અધિકારીઓ શરૂઆતમાં આ સમગ્ર ઘટનાથી તદ્દન અજાણ હોવાનો દાવો કરી રહ્યા હતા, જે પોલીસ તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઊભા કરે છે.
નજીવી બાબતે સર્જાયો આખોય વિવાદ
ભોગ બનનાર ગોપાલભાઈ પંચવટી પાસે સરકાર તરફથી ફાળવવામાં આવેલી એક નાની કેબિનમાં પડીકા અને નાની-મોટી વસ્તુઓ વેચીને અત્યંત મુશ્કેલીથી પોતાનું જીવનનિર્વાહ ચલાવે છે. તેઓ અંધજન મંડળના પીસીઓ સાથે પણ સંકળાયેલા છે. સામાન્ય દિવસોની જેમ તેઓ પોતાની કેબિન પર હાજર હતા, ત્યારે બપોરના સમયે એક સગીર વયનો છોકરો તેમની કેબિન પાસે આવ્યો હતો. અગાઉ પણ ગુલબાઈ ટેકરા વિસ્તારના કેટલાક અસામાજિક કે તોફાની બાળકો તેમની કેબિન પર આવીને અવારનવાર પડીકા તોડી જતા હોવાથી ગોપાલભાઈ હંમેશા સતર્ક રહેતા હતા.
તે સમયે કેબિન પાસે કંઈક અવાજ આવતાં, આંખે ન જોઈ શકતા ગોપાલભાઈને શંકા ગઈ કે આ સગીર વયનો છોકરો પણ કંઈક તોડી રહ્યો છે અથવા ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. પોતે પ્રજ્ઞાચક્ષુ હોવાના કારણે તેમણે માત્ર અંદાજ લગાવીને છોકરાને પકડવા માટે હવામાં હાથ વીંઝ્યો હતો. આ અજાણતા કરાયેલા પ્રયાસમાં તેમનો હાથ પેલા સગીર છોકરાને કાનના ભાગે વાગી ગયો અને તેને સામાન્ય ઈજા થઈ હતી.
પિતાની ગુસ્સે ભરેલી પ્રતિક્રિયા અને પોલીસની એન્ટ્રી
આ સામાન્ય ઘટના બાદ સગીર બાળકે ઘરે જઈને તેના પિતાને આ અંગે જાણ કરી હતી. બાળકના પિતા તાત્કાલિક ગુસ્સામાં લાલચોળ થઈને પંચવટી ખાતે ગોપાલભાઈની કેબિન પર ધસી આવ્યા હતા. તેમણે ત્યાં આવીને આ અંધ આધેડને જાહેરમાં બિભત્સ ગાળો ભાંડી હતી. આટલેથી જ મન ન ભરાતાં, તેમણે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને દિવ્યાંગ વિરુદ્ધ ફરિયાદ કરી દીધી હતી. પોલીસ કંટ્રોલ રૂમની વર્ધીના આધારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને અંધ ગોપાલભાઈને પકડીને પોલીસ સ્ટેશન લઈ આવ્યો હતો.
માફી માંગવા છતાં ખાખીનો અમાનુષી ત્રાસ
પીડિત ગોપાલભાઈના જણાવ્યા અનુસાર, તેઓ કાયદાનો આદર કરનારા નાગરિક છે. પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ તેમણે પોતાની શારીરિક લાચારી જણાવીને સગીરના પિતા પાસે પોતાની અજાણતા થયેલી ભૂલ બદલ હાથ જોડીને માફી પણ માંગી લીધી હતી. પેલા સગીર બાળકે પણ પોલીસ સામે કબૂલ્યું હતું કે તેને કોઈ ગંભીર ઈજા થઈ નથી. આમ છતાં, કાયદાના રક્ષકોના દિલમાં સહેજ પણ દયા ન જાગી. તે જ સમયે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાંથી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં કોઈ કામ અર્થે આવેલા એક મહિલા પીએસઆઈ રાઠોડ ત્યાં આવી પહોંચ્યા હતા.
તેમણે મામલાની ગંભીરતા કે સત્યતા જાણ્યા વગર, કાયદો પોતાના હાથમાં લઈને ગોપાલભાઈ પર સીધો જ હુમલો કરી દીધો હતો. મહિલા અધિકારીએ અંધ આધેડની આંખો પર ચાર-પાંચ જોરદાર ઝાપટો મારી દીધી હતી. એટલું જ નહીં, તેમણે લાકડી (દંડા) વડે ગોપાલભાઈને બેરહેમીથી ફટકારવાનું શરૂ કર્યું હતું. જ્યારે ગોપાલભાઈ અસહ્ય મારના કારણે નીચે ઢળી પડ્યા, ત્યારે પણ આ મહિલા અધિકારીએ તેમના પર દયા ન રાખી અને પાછળના ભાગે બૂટ વડે લાતો મારી હતી.
પીડિત આધેડની દર્દનાક આપવીતી
જીવરાજ હોસ્પિટલના બિછાનેથી પીડિત ગોપાલભાઈ દરજીએ રડતી આંખે જણાવ્યું કે, “હું અંધ હોવાના કારણે જોઈ શકતો નથી. અવારનવાર બાળકો મારી દુકાને નુકસાન કરતા હોવાથી મેં માત્ર બચાવમાં હાથ વીંઝ્યો હતો. પોલીસ મને પકડી ગઈ ત્યારે મેં માફી પણ માંગી લીધી હતી. છતાં બહારથી આવેલા એક મેડમે મને નિર્દયતાપૂર્વક માર માર્યો. મારી આંખ પર અને કાન પર એટલા જોરથી ફટકા મારવામાં આવ્યા છે કે અત્યારે મારા કાનમાંથી સતત પાણી નીકળી રહ્યું છે. મને થાપા અને બરડાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે અને અત્યારે અસહ્ય દુખાવો થઈ રહ્યો છે.” તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે પોલીસે તેમને સાંજના પાંચ વાગ્યા સુધી ત્યાં જ ગોંધી રાખ્યા હતા અને જ્યારે તેમણે આ માર અંગે ફરિયાદ નોંધાવવા કહ્યું, ત્યારે પોલીસે તેમની ફરિયાદ લેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.
પોલીસ તંત્રનો લૂલો બચાવ અને દલીલો
બીજી તરફ, આ સનસનાટીભર્યા મામલે ભારે હોબાળો મચતાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) એસ.આર. બાવાએ સમગ્ર ઘટના અંગે પોલીસ પક્ષનો બચાવ કરતા એક નવો વળાંક આપ્યો છે. તેમણે જણાવ્યું કે, “આ ઘટનામાં જે સગીર બાળકને કાન પર વાગ્યું હતું, તે હકીકતમાં અમદાવાદ ગ્રામ્ય (Ahmedabad Rural) ના મહિલા પીએસઆઈ રાઠોડનો જ દીકરો હતો. બાળકના કાનમાં વાગવાથી તેને ખૂબ પીડા થતી હતી, તેથી એક માતા તરીકે ઉપરાણું લઈને ગુસ્સામાં આવેલી મહિલા પીએસઆઈએ આવેશમાં આવીને દાદાને ઝાપટ મારી દીધી હતી.”
પીઆઈ (PI) એ વધુમાં દાવો કર્યો હતો કે, શરૂઆતમાં મહિલા પોલીસ અધિકારીને એ જ્ઞાન નહોતું કે ગોપાલભાઈ સંપૂર્ણપણે પ્રજ્ઞાચક્ષુ (અંધ) છે. પાછળથી જ્યારે યુનિવર્સિટી પોલીસે તેમને આ બાબતની જાણ કરી, ત્યારે મહિલા અધિકારીએ પણ પોતાની ભૂલ સમજીને દાદા સામે કોઈ વળતી કાનૂની ફરિયાદ નોંધાવી નહોતી.
સમાધાનના નામે ભીનું સંકેલવાનો પ્રયાસ?
પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર. બાવાએ વધુમાં ઉમેર્યું કે, પીડિત અંધ આધેડ અને મહિલા પીએસઆઈ કદાચ એક જ જ્ઞાતિ કે સમાજના છે. રાત્રે જ્યારે પોલીસના માણસો હોસ્પિટલ અથવા દાદા પાસે ગયા ત્યારે દાદાએ માત્ર એક સાદી અરજી આપી હતી, પરંતુ તેઓ સત્તાવાર એફઆઈઆર (FIR) નોંધાવવાની ના પાડતા હતા. જો કે, આ મામલે મીડિયા અને સામાજિક સંગઠનો સક્રિય થતાં પોલીસે દાદાને ફરીથી પોલીસ સ્ટેશને બોલાવ્યા છે. પીઆઈએ આશ્વાસન આપ્યું છે કે જો ગોપાલભાઈ ખરેખર કાયદેસરની ગુનાહિત ફરિયાદ કરવા માંગતા હશે, તો પોલીસ 100 ટકા તેમની ફરિયાદ નોંધીને કાયદા મુજબ આગળની કડક કાર્યવાહી કરશે.
આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચર્ચા જગાવી છે. સામાન્ય જનતા પૂછી રહી છે કે, શું ખાખી વર્દી પહેર્યા પછી કોઈપણ અધિકારીને કાયદો હાથમાં લેવાનો અને એક લાચાર, પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ પર આ પ્રકારે અમાનુષી અત્યાચાર ગુજારવાનો અધિકાર મળી જાય છે? ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ મામલે કેવા પગલાં ભરે છે તેના પર હવે સૌની નજર મંડાયેલી છે.












