Gujarat24

iPhone ની ચાર્જિંગની મોટી સમસ્યા ખતમ! Apple એ લીધો મોટો નિર્ણય

Share On :

iPhone Air

iPhone Battery Problem: એપલ કંપનીએ આઈફોન યુઝર્સ માટે નવું આઈઓએસ 26.5.1 અપડેટ જાહેર કરી દીધું છે. આ અપડેટ ખાસ કરીને આઈફોન એર અને આઈફોન 17 સીરીઝમાં જોવા મળેલી ચાર્જિંગની સમસ્યાને દૂર કરવા માટે લાવવામાં આવ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, કેટલાક યુઝર્સને જ્યારે બેટરી સંપૂર્ણપણે ખતમ થઈ જતી હતી, ત્યારે વાયર્ડ ચાર્જિંગ (Wired Charging) શરૂ કરવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. આશરે ત્રણ અઠવાડિયા પહેલા આવેલા આઈઓએસ 26.5 અપડેટ પછી હવે આ નવું અપડેટ એક મહત્વપૂર્ણ બગ ફિક્સ લઈને આવ્યું છે. જો તમે પણ તમારા આઈફોનમાં ચાર્જિંગની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તમારે આ નવું અપડેટ તાત્કાલિક ડાઉનલોડ કરી લેવું જોઈએ.

બેટરી સંપૂર્ણ ખતમ થવા પર ફોન થતો હતો ડેડ
એપલના રિલીઝ નોટ્સ અનુસાર, આઈઓએસ 26.5.1 અપડેટ તે બગને સુધારે છે જેના કારણે આઈફોન એર અને આઈફોન 17ના અમુક મોડલ્સમાં બેટરી શૂન્ય ટકા થઈ ગયા પછી વાયરવાળું ચાર્જિંગ શરૂ થઈ શકતું નહોતું. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ સમસ્યા મર્યાદિત સંખ્યામાં યુઝર્સને જ અસર કરી રહી હતી. અહેવાલો અનુસાર, ઘણા કિસ્સાઓમાં ફોન સ્વિચ ઓફ થયા પછી યુએસબી ટાઈપ-સી ચાર્જર કનેક્ટ કરવા છતાં સ્ક્રીન સંપૂર્ણપણે બ્લેક રહેતી હતી. સામાન્ય રીતે દેખાતો લો બેટરી સંકેત અથવા એપલ લોગો પણ સ્ક્રીન પર પ્રદર્શિત થતો નહોતો. આ જ કારણે યુઝર્સને એવું લાગતું હતું કે તેમનો ફોન ચાર્જ થઈ રહ્યો નથી અથવા તો સિસ્ટમ સંપૂર્ણપણે રિસ્પોન્સ આપવાનું બંધ કરી ચૂકી છે.

યુઝર્સે સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી હતી નારાજગી
છેલ્લા કેટલાક દિવસોમાં આઈફોન એર અને આઈફોન 17 મોડલ્સમાં બેટરી સંબંધિત અનેક ફરિયાદો સામે આવી હતી. રિપોર્ટ અનુસાર, યુઝર્સે જણાવ્યું કે બેટરી શૂન્ય થયા પછી ફોન ચાર્જર સાથે જોડવા છતાં પણ ચાલુ થતો નહોતો. મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે લોકોએ ફોર્સ રીસ્ટાર્ટ જેવા સામાન્ય ઉપાયો પણ અજમાવ્યા હતા, જેમાં વોલ્યુમ અપ, વોલ્યુમ ડાઉન અને પાવર બટનનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આનાથી કોઈ ફાયદો થયો નહોતો. કેટલાક કિસ્સાઓમાં ચાર્જિંગ કેબલ, પાવર એડેપ્ટર બદલવા અથવા ફોનને કમ્પ્યુટર સાથે કનેક્ટ કરવા છતાં સમસ્યા એમ જ રહી હતી. એક કિસ્સામાં તો ફોનને ફરીથી જીવંત કરવા માટે વાયરલેસ ચાર્જરનો સહારો લેવો પડ્યો હતો.

તમારા આઈફોનને આ રીતે કરો અપડેટ
જો કે એપલે આ અપડેટને સીધી રીતે બેટરી ડ્રેનની વ્યાપક ફરિયાદો સાથે જોડ્યું નથી, પરંતુ કંપનીની સત્તાવાર માહિતી સ્પષ્ટ સંકેત આપે છે કે આ અપડેટ ચાર્જિંગ બિહેવિયર સાથે જોડાયેલી ખામીને સુધારવા માટે જ છે. યુઝર્સ પોતાના આઈફોનમાં સેટિંગ્સ (Settings) -> જનરલ (General) -> સોફ્ટવેર અપડેટ (Software Update) -> ઇન્સ્ટોલ નાવ (Install Now) પર જઈને આ નવું અપડેટ ઇન્સ્ટોલ કરી શકે છે. આઈફોન 17 માટે આ અપડેટની સાઈઝ આશરે 12.71 જીબી હોવાનું કહેવાય છે. આ દરમિયાન, 8 જૂનથી ડબલ્યુડબલ્યુડીસી 2૦27 ઇવેન્ટ શરૂ થવા જઈ રહી છે, ત્યારબાદ એપલનું ધ્યાન ધીમે-ધીમે આઈઓએસ 27 તરફ શિફ્ટ થઈ જશે. તેવામાં આઈઓએસ 26 સીરીઝ માટે આ એક અત્યંત મહત્વપૂર્ણ બગ ફિક્સ અપડેટ માનવામાં આવી રહ્યું છે.