Ahmedabad Crime News: અમદાવાદ (Ahmedabad) ના પ્રખ્યાત કાપડ બજારમાં એક સનસનાટીભર્યો છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક કાપડના વેપારી અને દલાલે ગુનાહિત કાવતરું રચીને શહેરના એક-બે નહીં પરંતુ કુલ 24 જેટલા કાપડના વેપારીઓને પોતાનો શિકાર બનાવ્યા છે. સારંગપુર (Sarangpur) સ્થિત શિવકૃપા એન્ટરપ્રાઇઝ (Shivkrupa Enterprise) ના માલિક અને એક દલાલે ભેગા મળીને વેપારીઓ પાસેથી લાખો રૂપિયાની જથ્થાબંધ લેડીસ કુર્તીઓ અને રેયોન કાપડ ઉધારમાં ખરીદ્યું હતું. આ બંને ઠગોએ બજારમાં વેપારીઓનો વિશ્વાસ જીતીને અંદાજે ₹89.13 લાખથી વધુની રકમની ઠગાઈ આચરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા સમગ્ર વેપારી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
90 દિવસમાં પેમેન્ટનો વાયદો આપી સમયસર નાણાં ન ચૂકવ્યા
આ કૌભાંડની વિગત એવી છે કે, આરોપીઓએ એપ્રિલ-2022થી મે-2025 દરમિયાન કાપડ બજારના અલગ-અલગ વેપારીઓ પાસેથી દલાલ મારફતે મોટા પાયે ખરીદી શરૂ કરી હતી. આરોપીઓએ વેપારીઓને ખાતરી આપી હતી કે માલ મળ્યાના 90 દિવસની અંદર તમામ પેમેન્ટ ચૂકવી દેવામાં આવશે. શરૂઆતમાં વેપારીઓનો ભરોસો જાળવી રાખવા માટે આરોપીઓએ કુલ ₹1,49,93,927 ના માલમાંથી ₹60,80,227 ચૂકવી દીધા હતા. જોકે, બાકી નીકળતા ₹89,13,700 ચૂકવવામાં તેઓ ઠાગાઠૈયા કરવા લાગ્યા હતા. વર્ષો સુધી માલ મેળવી લીધા પછી પણ બાકી નાણાં ન ચૂકવીને આરોપીઓએ નાના-મોટા વેપારીઓને રાતા પાણીએ રોવડાવ્યા છે.
મુખ્ય ફરિયાદી નિહાલચંદ ઘાનેચાએ નોંધાવી ફરિયાદ
આ સમગ્ર કૌભાંડમાં મુખ્ય ફરિયાદી 55 વર્ષીય નિહાલચંદ નંદલાલ ઘાનેચા (Nihalchand Nandlal Ghanecha) બન્યા છે, જેઓ અમદાવાદના જૂના વાડજ (Juna Wadaj) વિસ્તારમાં રહે છે. તેઓ રાયપુર (Raipur) ખાતે આવેલી ‘હર્ષ હની ફેબ્રિ’ (Harsh Honey Fabri) નામની ફર્મમાં લેડીસ કુર્તીના કાપડનો વેપાર કરે છે. જાન્યુઆરી-2023માં તેઓ એક દલાલના સંપર્કમાં આવ્યા હતા, જેણે તેમને સારંગપુરના વેપારી સાથે ધંધો કરવાની સલાહ આપી હતી. દલાલના ભરોસે નિહાલચંદે વેપાર શરૂ કર્યો હતો, પરંતુ આરોપીઓએ તેમના ₹11,22,082 બાકી રાખી છેતરપિંડી કરી હતી. જ્યારે નિહાલચંદે બજારમાં અન્ય વેપારીઓ સાથે વાત કરી, ત્યારે જાણવા મળ્યું કે તેમની જેમ અન્ય 23 વેપારીઓ પણ આ જ ટોળકીનો ભરોસો રાખીને લાખો રૂપિયા ગુમાવી ચૂક્યા છે.
દુકાન-મકાનને તાળાં મારી આરોપીઓ રાતોરાત ફરાર
પોલીસ ફરિયાદ અનુસાર, આ કૌભાંડના મુખ્ય સૂત્રધારોમાં સારંગપુર સ્થિત શિવકૃપા એન્ટરપ્રાઇઝના માલિક સુનિલભાઈ ઉર્ફે સાગરભાઈ બાજપાઈ (Sunilbhai alias Sagarbhai Bajpai) અને કાપડ દલાલ જીતેન્દ્ર ડાભી (Jitendra Dabhi) નો સમાવેશ થાય છે. જ્યારે ભોગ બનનાર વેપારીઓએ રૂબરૂ અને ફોન પર પોતાની ઉઘરાણી કડક કરી, ત્યારે આરોપીઓએ શરૂઆતમાં ખોટા વાયદાઓ કર્યા હતા. અંતે, પાપ છાપરે ચડીને પોકારતા આરોપીઓ વેપારીઓ પાસેથી લીધેલો માલ અન્ય જગ્યાએ બારોબાર સસ્તા ભાવે વેચી મારી, પોતાની દુકાન તેમજ મકાનને તાળાં મારીને રાતોરાત ફરાર થઈ ગયા હતા. હાલમાં પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.













