Mirzapur The Movie: જુલાઈ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ સોશિયલ મીડિયા પર ‘મિર્ઝાપુર’ (Mirzapur) ના ચાહકો અત્યારથી જ સપ્ટેમ્બર મહિનાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ આતુરતાનું કારણ એ છે કે તેમના મનપસંદ પાત્રો મુન્ના ભૈયા (Munna Bhaiya), કાલીન ભૈયા (Kaleen Bhaiya) અને ગુડ્ડુ પંડિત (Guddu Pandit) આ વખતે ઓટીટી સ્ક્રીન પર નહીં પરંતુ મોટા પડદા પર ધમાકો કરવા આવી રહ્યા છે. આગામી 4 સપ્ટેમ્બરના રોજ ‘મિર્ઝાપુર ધ મૂવી’ (Mirzapur The Movie) સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. તાજેતરમાં જ મેકર્સ દ્વારા આ ફિલ્મનું એક ધમાકેદાર ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેણે દર્શકોમાં ભારે ઉત્તેજના જગાવી દીધી છે. આ ટીઝરમાં વેબ સિરીઝના જૂના અને લોકપ્રિય કલાકારો ફરી એકસાથે એક જ ફ્રેમમાં જોવા મળ્યા છે.
નવા ચહેરાઓ અને બદલાયેલું સમીકરણ
આ વખતે ફિલ્મમાં માત્ર જૂના કલાકારો જ નહીં, પરંતુ કેટલાક એવા નવા ચહેરાઓ પણ જોવા મળશે જેઓ અગાઉની વેબ સિરીઝનો ભાગ નહોતા. બોલિવૂડ અને ભોજપુરી સિનેમાના જાણીતા અભિનેતા રવિ કિશન (Ravi Kishan) અને ‘પંચાયત’ ફેમ જીતેન્દ્ર કુમાર (Jitendra Kumar) પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ બંને પ્રતિભાશાળી કલાકારોની એન્ટ્રીથી ચાહકોની અપેક્ષાઓ ખૂબ વધી ગઈ છે. જોકે, જ્યારથી ફિલ્મની જાહેરાત થઈ છે ત્યારથી જ લોકોના મનમાં એક મોટો પ્રશ્ન હતો કે શું આ ફિલ્મ વેબ સિરીઝની વાર્તાને જ આગળ વધારશે કે પછી કંઈક નવું હશે? હવે આ સસ્પેન્સ પરથી પડદો હટાવતા ગુડ્ડુ પંડિત એટલે કે અભિનેતા અલી ફઝલ (Ali Fazal) એ એક મોટો ખુલાસો કર્યો છે.
વેબ સિરીઝ સાથે કોઈ કનેક્શન નથી: અલી ફઝલ
ફિલ્મના ટીઝરને સોશિયલ મીડિયા પર અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. અલી ફઝલે તાજેતરમાં એક ઈન્ટરવ્યુ (India Today) માં ફિલ્મ અને વેબ સિરીઝ વચ્ચેના તફાવત વિશે ખુલીને વાત કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “ના, આ બિલકુલ અલગ વાર્તા છે. આ ફિલ્મ વેબ સિરીઝના કોઈ પણ સીઝન સાથે સંબંધ ધરાવતી નથી. આ એક નેક્સ્ટ લેવલની વાર્તા છે અને મારો વિશ્વાસ કરો, લોકોને તે ખૂબ જ પસંદ આવશે. ભારતીય સિનેમાના ઇતિહાસમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે કે કોઈ વેબ સિરીઝ પરથી આટલી મોટી ફિલ્મ બની રહી હોય, તેથી દર્શકો પાસે અગાઉનો કોઈ સંદર્ભ નથી.”
મુન્ના ભૈયાની વાપસી અને નવો રોમાંચ
ઉલ્લેખનીય છે કે ‘મિર્ઝાપુર’ વેબ સિરીઝની પહેલી અને બીજી સીઝનને દર્શકોએ ભરપૂર પ્રેમ આપ્યો હતો. પરંતુ સીઝન 3 માં દિવ્યેન્દુ (Divyenndu) ના પાત્ર મુન્ના ભૈયાનો અંત આવતા ચાહકો ભારે નિરાશ થયા હતા. દરેક વ્યક્તિ સીઝન ૪ ની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે જ મેકર્સે ફિલ્મની જાહેરાત કરીને ચોંકાવી દીધા હતા. વાર્તા વિશે આગળ વાત કરતા અલી ફઝલે કહ્યું કે, “આ ફિલ્મ સિરીઝની સીઝન 3, 4 કે તેના પછીના ભાગો સાથે જોડાયેલી નથી. આ નવા કલાકારો સાથે સીઝન 1 જેવો જ ફ્રેશ અનુભવ કરાવશે. અમે તેને શુદ્ધ સિનેમેટિક શૈલીમાં શૂટ કરી છે, જેથી મોટા પડદા પર દર્શકોને અસલી મજા આવશે.”













