MS Dhoni In Rajkot: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી મહેન્દ્રસિંહ ધોની (માહી) આજે પરિવાર સાથે રાજકોટના હીરાસર એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. મળતી માહિતી મુજબ, ધોની અને તેમનો પરિવાર જામનગર જવા માટે રાજકોટ આવ્યા હતા. જામનગરમાં આગામી તા. ૧લી નવેમ્બરના રોજ રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીનો જન્મદિવસ છે, જેની ભવ્ય ઉજવણી માટે છેલ્લા કેટલાક દિવસોથી સેલિબ્રિટીઓનો જામનગરમાં જમાવડો થઈ રહ્યો છે.
નીતા અંબાણીના જન્મદિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે બોલીવુડ સ્ટાર્સ અને જાણીતા સિંગર્સ બાદ હવે ક્રિકેટ જગતના દિગ્ગજો પણ જામનગરના મહેમાન બની રહ્યા છે. આ જ ક્રમમાં સોમવારના રોજ મહેન્દ્રસિંહ ધોની, તેમના પત્ની સાક્ષી અને પુત્રી ઝીવા સાથે દિલ્હીથી ફ્લાઇટમાં રાજકોટ હીરાસર એરપોર્ટ આવ્યા હતા.
રાજકોટ એરપોર્ટ પર આવ્યા બાદ ધોની પરિવાર ચાર્ટર્ડ પ્લેન મારફતે સીધા જ જામનગર જવા રવાના થયો હતો. ભારતીય ક્રિકેટના આ મહાન ખેલાડીની એક ઝલક મેળવવા માટે રાજકોટ એરપોર્ટ પર તેમના ફેન્સની ભારે ભીડ જોવા મળી હતી અને ‘કેપ્ટન કૂલ’ ને જોવા માટે ફેન્સમાં પડાપડી થઈ હતી.


