Virginia Bus Accident : અમેરિકા (America) ના વર્જીનિયામાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. શુક્રવારે વહેલી સવારે એક બેકાબૂ લક્ઝરી બસે હાઈવે પર ધીમી ગતિએ ચાલી રહેલા વાહનોને પાછળથી જોરદાર ટક્કર મારી દીધી હતી. આ ભયાનક દુર્ઘટનામાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે બસ ચાલક સહિત 44 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના સવારે અંદાજે 2:35 વાગ્યે સ્ટેફોર્ડ કાઉન્ટી (Stafford County) માં ક્વાન્ટિકો (Quantico) પાસે હાઈવે I-95 (Interstate 95) પર દક્ષિણ તરફ જતા ટ્રેક પર બની હતી.
રાજ્ય પોલીસ (State Police) ના પ્રારંભિક અહેવાલો મુજબ, હાઈવે પર આગળ કન્સ્ટ્રક્શન ઝોન (Construction Zone) હોવાને કારણે વાહનોની ગતિ ધીમી થઈ રહી હતી. આ દરમિયાન એક ખાનગી મુસાફર બસના ચાલકે સ્પીડ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને તે ટ્રાફિકમાં ઉભેલા 6 વાહનો સાથે ધડાધડ અથડાઈ પડી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર બાદ એક કારમાં ભીષણ આગ લાગી ગઈ હતી, જેમાં સવાર ચાર લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. મૃતકોમાં 45 વર્ષીય પુરુષ, 44 વર્ષીય મહિલા, 13 વર્ષની કિશોરી અને 7 વર્ષના માસૂમ બાળકનો સમાવેશ થાય છે, જેઓ મેસાચુસેટ્સ (Massachusetts) ના ગ્રીનફિલ્ડના રહેવાસી હતા. જ્યારે પાંચમી મૃતક મહિલા અન્ય એક એસયુવી (SUV) કારમાં સવાર હતી.
પોલીસે બસ ચાલકની ઓળખ ન્યૂયોર્ક (New York) ના સ્ટેટન આઇલેન્ડ (Staten Island) ના 48 વર્ષીય જિંગ એસ ડોંગ (Jing S Dong) તરીકે કરી છે અને તેની સામે કાયદેસરના આરોપો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. અકસ્માતનો ભોગ બનેલા મુસાફરોના જણાવ્યા અનુસાર, ડ્રાઈવર અકસ્માત પહેલા જ ખૂબ બેદરકારીપૂર્વક અને અત્યંત પૂરઝડપે (High Speed) બસ ચલાવી રહ્યો હતો. આ બસનું સંચાલન ઉત્તર કેરોલિનાની ‘ઈ એન્ડ પી ટ્રાવેલ ઈન્ક’ (E&P Travel, Inc.) કંપની દ્વારા કરવામાં આવી રહ્યું હતું. હાલમાં રાષ્ટ્રીય પરિવહન સુરક્ષા બોર્ડ (NTSB) ની ટીમ સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે.











