Gujarat24

International Emergency વચ્ચે રશિયાની મોટી એન્ટ્રી, જીવલેણ ઇબોલા વાયરસની વેક્સિન તૈયાર

Share On :

Bundibugyo Strain

Ebola Virus : સમગ્ર વિશ્વ હજુ કોરોના મહામારીના આઘાત અને તેની અસરોમાંથી સંપૂર્ણપણે બહાર આવી શક્યું નથી, ત્યાં વધુ એક ખતરનાક વાયરસ ‘ઇબોલા’ એ દુનિયાની ચિંતામાં વધારો કર્યો છે. ખાસ કરીને આફ્રિકન દેશોમાં ઇબોલાના નવા કેસો ઝડપથી વધી રહ્યા છે. આ વૈશ્વિક સ્વાસ્થ્ય સંકટ વચ્ચે રશિયા તરફથી એક ખૂબ જ રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. રશિયાના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેઓએ ઇબોલા વાયરસના નવા ઘાતક સ્ટ્રેન સામે લડવા માટે એક નવી વેક્સિન સફળતાપૂર્વક તૈયાર કરી લીધી છે.

દુર્લભ બુંદીબુગ્યો સ્ટ્રેન સામે પણ રસી આપશે સુરક્ષા: આરોગ્ય મંત્રી મુરાશ્કો
દક્ષિણ આફ્રિકામાં આવેલા રશિયન દૂતાવાસ (Russian Embassy) દ્વારા સોશિયલ મીડિયા પર આ મહત્વપૂર્ણ માહિતી શેર કરવામાં આવી છે. રશિયાના સ્વાસ્થ્ય મંત્રી મિખાઈલ મુરાશ્કોના જણાવ્યા અનુસાર, રશિયન વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવવામાં આવેલી આ વેક્સિન માત્ર ઇબોલાના સામાન્ય નવા સ્ટ્રેન સામે જ નહીં, પરંતુ અત્યંત દુર્લભ ગણાતા ‘બુંદીબુગ્યો સ્ટ્રેન’ સામે પણ રક્ષણ આપવામાં સક્ષમ છે. હેલ્થ એક્સપર્ટ્સનું માનવું છે કે જો આ વેક્સિનના આગામી પરીક્ષણો સફળ સાબિત થશે, તો આફ્રિકા સહિત સમગ્ર વિશ્વને આ જીવલેણ બીમારી સામે લડવામાં મોટી મદદ મળશે.

શું છે ઇબોલા અને બુંદીબુગ્યો સ્ટ્રેન?
ઇબોલા એ વાયરલ હેમરેજિક ફીવર તરીકે ઓળખાતી એક અત્યંત ગંભીર અને જીવલેણ બીમારી છે. આ વાયરસના સંક્રમણથી દર્દીને તીવ્ર તાવ, ભારે નબળાઈ, ઊલટી, ઝાડા અને ગંભીર સ્થિતિમાં શરીરની અંદર આંતરિક રક્તસ્રાવ થવા લાગે છે. આ વાયરસનો મૃત્યુદર ઘણો વધારે છે. આ વખતે ચિંતાનું મુખ્ય કારણ બુંદીબુગ્યો સ્ટ્રેન છે, જે ઇબોલાનો એક દુર્લભ પ્રકાર છે અને હાલમાં તેની કોઈ ચોક્કસ રસી કે સચોટ ઈલાજ ઉપલબ્ધ નહોતો.

WHO એ જાહેર કરી ઇમરજન્સી અને આ દેશો પર મોટો ખતરો
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (World Health Organization – WHO) દ્વારા તાજેતરમાં જ કોંગો અને યુગાન્ડા માં ફેલાઈ રહેલા આ ઇબોલા સંક્રમણને ‘પબ્લિક હેલ્થ ઇમરજન્સી ઓફ ઇન્ટરનેશનલ કન્સર્ન’ એટલે કે આંતરરાષ્ટ્રીય ચિંતાની સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત, આફ્રિકા સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા પણ તેને ખંડીય સુરક્ષા કટોકટી જાહેર કરાઈ છે. એક્સપર્ટ્સના મતે કોંગો અને યુગાન્ડાના પડોશી દેશો, ખાસ કરીને દક્ષિણ સુદાન જેવા વિસ્તારો હાલમાં હાઈ-રિસ્ક ઝોનમાં છે. એરપોર્ટ અને સરહદો પર દેખરેખ વધારવા અને પ્રભાવિત વિસ્તારોની મુસાફરી ટાળવા માટે એડવાઈઝરી જારી કરવામાં આવી છે.