Gujarat24

ક્રૂડ ઓઈલ ઘટતા સરકારે લીધો મોટો નિર્ણય: ATF અને કોમર્શિયલ LPGના ભાવમાં મોટો કાપ!

Share On :

Indian Airlines Cost

New Delhi : હવાઈ સફર કરનારા મુસાફરો અને એવિએશન સેક્ટર માટે એક ખુશખબર સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલ (Crude Oil) એટલે કે કાચા તેલની કિંમતોમાં જોવા મળેલી નરમાઈને પગલે સરકારી તેલ કંપનીઓએ જેટ ફ્યુઅલ (Jet Fuel) અથવા એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના ભાવમાં આશરે 5 રૂપિયા પ્રતિ લીટરનો મોટો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ દેશની રાજધાની દિલ્હી (Delhi)માં એટીએફની કિંમત ઘટીને અંદાજે 110 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. દર મહિનાની પહેલી તારીખે આંતરરાષ્ટ્રીય માર્કેટના બેન્ચમાર્ક દરો અને ડોલર સામે રૂપિયા (Rupee-Dollar)ના એક્સચેન્જ રેટના આધારે જેટ ફ્યુઅલની કિંમતોની સમીક્ષા કરવામાં આવે છે, જેના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે.

એવિએશન ક્ષેત્રમાં એરલાઈન્સ કંપનીઓ માટે ફ્યુઅલ એ સૌથી મોટો ઓપરેટિંગ ખર્ચ (Operating Expense) ગણાય છે. જેટ ફ્યુઅલ સસ્તું થવાથી સ્થાનિક એરલાઈન્સ જેમ કે ઈન્ડિગો (IndiGo), એર ઈન્ડિયા (Air India) અને સ્પાઈસજેટ (SpiceJet) વગેરેના ઓપરેટિંગ ખર્ચમાં ઘટાડો થશે, જેનાથી તેમને મોટી આર્થિક રાહત મળશે. જોકે, આ ઘટાડાનો સીધો ફાયદો સામાન્ય મુસાફરોને સસ્તી ટિકિટ સ્વરૂપે કેટલો મળશે, તે એરલાઈન્સ કંપનીઓની ફ્યુઅલ ખરીદી અને હેજિંગ વ્યૂહરચના (Hedging Strategies) પર નિર્ભર રહેશે. પશ્ચિમ એશિયા (West Asia)માં ભૌગોલિક-રાજકીય તણાવ ઓછો થવાને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલ સસ્તું થયું છે, જેની સીધી સકારાત્મક અસર ભારતીય બજાર પર જોવા મળી રહી છે.

બીજી તરફ, સામાન્ય નાગરિકો અને વેપારીઓ માટે પણ વધુ એક રાહતના સમાચાર છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ (OMCs) 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ એલપીજી (Commercial LPG) સિલિન્ડરની કિંમતમાં 183.50 રૂપિયાનો મોટો કાપ મૂક્યો છે. ચાલુ વર્ષમાં કોમર્શિયલ ગેસના દરોમાં આ પ્રથમ ઘટાડો છે, જેનાથી હોટેલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગને મોટો ફાયદો થશે. જોકે, ઘરગથ્થુ રાંધણ ગેસ (Domestic LPG) સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ ઉપરાંત, કેન્દ્ર સરકારે (Central Government) પેટ્રોલ, ડીઝલ અને એટીએફ પરની એક્સપોર્ટ ડ્યુટી (Export Duty) એટલે કે નિકાસ વેરામાં પણ ફેરફાર જાહેર કર્યા છે. નવી દરો મુજબ પેટ્રોલ પર એક્સપોર્ટ ડ્યુટી 4 રૂપિયા, ડીઝલ પર 8.5 રૂપિયા અને એટીએફ પર 7.5 રૂપિયા પ્રતિ લીટર નક્કી કરવામાં આવી છે. નાણા મંત્રાલય (Ministry of Finance) દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, આ ફેરફારથી ભારતમાં વેચાતા પેટ્રોલ-ડીઝલની એક્સાઈઝ ડ્યુટી (Excise Duty) પર કોઈ અસર થશે નહીં, જેથી સામાન્ય રિટેલ ગ્રાહકો માટે ઈંધણના ભાવ યથાવત રહેશે. આ સરકારી નિકાસ વેરા પ્રણાલીનો ઉદ્દેશ્ય સ્થાનિક બજારમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો છે. સરકારે પાડોશી દેશો જેવા કે નેપાળ (Nepal), ભૂતાન (Bhutan), બાંગ્લાદેશ (Bangladesh), શ્રીલંકા (Sri Lanka) ઉપરાંત મોરેશિયસ (Mauritius) અને માલદીવ (Maldives)ને આ નિકાસ વેરામાંથી મુક્તિનો વ્યાપ વધાર્યો છે.