Iran UAE Conflict: ઈરાન (Iran) અને સંયુક્ત અરબ અમીરાત એટલે કે યુએઈ (UAE) વચ્ચેની દુશ્મનાવટે ખાડીના દેશો (Gulf Countries) માં રહેતા શિયા મુસ્લિમો (Shia Muslims) ની ચિંતા અને મુશ્કેલીઓમાં ભારે વધારો કર્યો છે. યુએઈ અને બહેરીન (Bahrain) સરકાર દ્વારા તાજેતરમાં શિયા સમુદાય વિરૂદ્ધ શ્રેણીબદ્ધ આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે. આ તણાવ વચ્ચેનો તાજો મામલો શિયા સમુદાયના ધાર્મિક ફંડને સરકારી નિયંત્રણમાં લેવાનો છે. બહેરીન સરકારે દાનમાં મળતા શિયા સમુદાયના ભંડોળ અંગે નવો કાયદો બનાવવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે સ્થાનિક શિયા સમુદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
૧૫ હજાર પાકિસ્તાનીઓને યુએઈમાંથી હાંકી કઢાયા
આ અગાઉ યુએઈ દ્વારા શિયા સમુદાય સાથે સંબંધ ધરાવતા અંદાજે ૧૫,૦૦૦ પાકિસ્તાની નાગરિકોને બળજબરીપૂર્વક દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. પાકિસ્તાનની સંસદ (Pakistan Parliament) ના રેકોર્ડ મુજબ, યુએઈના અધિકારીઓએ આ લોકોના પૈસા અને મોબાઈલ ફોન પણ જપ્ત કરી લીધા હતા. આ તમામ લોકો પર ઈરાનનો પક્ષ લેવાનો અને તેને ગુપ્ત રીતે ફંડ પૂરું પાડવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો હતો. જોકે, પાકિસ્તાન સરકારે દાવો કર્યો છે કે હાંકી કઢાયેલા લોકો ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હતા, જ્યારે યુએઈ સરકારે આ બાબતનો ઈનકાર કર્યો છે.
શા માટે લેવાઈ રહ્યા છે આ આકરા પગલાં?
યુએઈ અને બહેરીન બંને દેશોમાં સુન્ની (Sunni) મુસ્લિમ શાસકો સત્તા પર છે. તાજેતરમાં ઈરાન સાથેના યુદ્ધ દરમિયાન ઈરાને બહેરીન અને યુએઈ પર આક્રમક હુમલા કર્યા હતા. યુદ્ધ દરમિયાન બહેરીનમાંથી કેટલાક એવા વીડિયો સામે આવ્યા હતા, જેમાં સ્થાનિક શિયા સમુદાયના લોકો ઈરાનના હુમલા પર કથિત રીતે જશ્ન મનાવતા જોવા મળ્યા હતા. બીજી તરફ, યુએઈની ગુપ્તચર એજન્સીઓનો દાવો છે કે દેશમાં રહેતા સમુદાયના કેટલાક લોકો ઈરાન માટે જાસૂસી (Spying) કરી રહ્યા હતા. યુદ્ધવિરામ (Ceasefire) થતાં જ બંને દેશોએ શિયા સમુદાય વિરૂદ્ધ આકરા પગલાં ભરવાનું શરૂ કર્યું છે.
સરકારો દ્વારા લેવાયેલા ૪ મોટા નિર્ણયો
૧. યુએઈએ જાસૂસી અને ફંડિંગના આરોપસર ૧૫ હજાર શિયા પાકિસ્તાનીઓને દેશનિકાલ કર્યા છે.
૨. બહેરીન સરકારે શિયાઓના ફંડ પર કાપ મૂકવા ‘જાફરી એન્ડોમેન્ટ સંસ્થા’ (Jaafari Endowments Institution) ને ઇસ્લામિક સંસ્થાના સંપૂર્ણ નિયંત્રણ હેઠળ લાવવાનો કાયદો તૈયાર કર્યો છે.
૩. યુએઈએ જાસૂસીના આરોપમાં ૨૭ મુખ્ય શિયા ધર્મગુરુઓની ધરપકડ કરી છે, જ્યારે બહેરીન સોશિયલ મીડિયા પર અશાંતિ ફેલાવવા બદલ ધર્મગુરુઓની અટકાયત કરી રહ્યું છે.
૪. બહેરીન સરકાર હવે ઈરાન કનેક્શન ધરાવતા શિયાઓની નાગરિકતા (Citizenship) રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી રહી છે. નોંધનીય છે કે બહેરીનમાં શિયા મુસ્લિમોની વસ્તી આશરે ૪૫ ટકા જેટલી છે.














