Iran Supreme Leader: ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન (Islamic Republic of Iran)ના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા સૈયદ મોજતબા ખામેનેઈ (Ayatollah Sayyid Mojtaba Khamenei)એ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) દ્વારા ઈદ-ઉલ-અઝહા (Eid-ul-Adha)ની શુભકામનાઓ પાઠવવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. તેમણે બંને દેશો વચ્ચેના સદીઓ જૂના અને મૈત્રીપૂર્ણ સંબંધોને આગામી સમયમાં વધુ ગાઢ બનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો. પીએમ મોદીને મોકલેલા સત્તાવાર સંદેશમાં ઈરાનના સુપ્રીમ લીડરે જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઈદ-ઉલ-અઝહાના પવિત્ર અવસરે આપનો શુભેચ્છા સંદેશ મળ્યો છે. આ બદલ હું આપનો હાર્દિક આભાર માનું છું અને આપને પણ આ પર્વની મુબારકબાદી પાઠવું છું.”
પરસ્પર સન્માન અને સમાન હિતોના આધારે આગળ વધશે બંને દેશો
સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ ભારત-ઈરાન સંબંધોના ભવિષ્ય અંગે વિશ્વાસ વ્યક્ત કરતા ઉમેર્યું કે, “મને પૂરો ભરોસો છે કે પરસ્પર સન્માન અને સમાન હિતો પર આધારિત આપણા બંને દેશોની ઐતિહાસિક દોસ્તી, આપણી સરકારોના સક્રિય પ્રયાસોથી વધુ મજબૂત અને વ્યાપક બનશે. હું સર્વશક્તિમાન ઈશ્વર પાસે ભારત સરકાર અને ભારતની મહાન જનતાની સમૃદ્ધિ તેમજ નિરંતર સફળતા માટે પ્રાર્થના કરું છું.” ભારત અને ઈરાન વચ્ચે આ પ્રકારનો ઉચ્ચ સ્તરીય સંવાદ વૈશ્વિક રાજદ્વારી મંચ પર ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે.
અમેરિકી હુમલા અને પદ સંભાળ્યા બાદ પ્રથમ સીધો સંવાદ
રાજદ્વારી નિષ્ણાતોના મતે, ઈરાનના સુપ્રીમ લીડર બન્યા પછી મોજતબા ખામેનેઈએ પ્રથમ વખત વડાપ્રધાન મોદીને સીધો સંદેશ મોકલ્યો છે. નોંધનીય છે કે આ સર્વોચ્ચ પદ સંભાળ્યા પછી તેઓ હજુ સુધી ક્યારેય સાર્વજનિક રૂપે સામે આવ્યા નથી. અગાઉ ફેબ્રુઆરી મહિનામાં અમેરિકા અને ઈઝરાયેલ (America-Israel) દ્વારા કરવામાં આવેલા ભીષણ હુમલામાં પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈ (Ayatollah Ali Khamenei)નું અવસાન થયું હતું, ત્યારબાદ તેમના પુત્ર મોજતબા ઈરાનના નવા સર્વોચ્ચ નેતા બન્યા હતા. એવી અફવાઓ અને અહેવાલો પણ વહેતા થયા હતા કે આ સૈન્ય હુમલા દરમિયાન મોજતબા પોતે પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેથી તેઓ સાર્વજનિક જીવનથી દૂર છે.
રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને પીએમ મોદીને આપ્યું હતું આમંત્રણ
ઈરાનમાં ચાલી રહેલા આ મોટા નેતૃત્વ પરિવર્તનની વચ્ચે, ત્યાંના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને (Masoud Pezeshkian) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેહરાન (Tehran) ખાતે યોજાયેલા પૂર્વ સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈના સત્તાવાર અંતિમ સંસ્કાર સમારોહમાં સામેલ થવા માટે ખાસ આમંત્રણ પણ આપ્યું હતું. પશ્ચિમ એશિયાના બદલાતા સમીકરણો વચ્ચે ઈરાન દ્વારા ભારત તરફ વધારવામાં આવેલો આ દોસ્તીનો હાથ બંને દેશોના મજબૂત ભવિષ્યની ગવાહી પૂરે છે.













