Ather Energy: ઇલેક્ટ્રિક ટુ-વીલર ઉત્પાદક કંપની એથર એનર્જી (Ather Energy) એ તેના લોકપ્રિય રિઝ્ટા (Rizta) અને 450 સીરીઝ (450 Series) ના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ માટે એક શાનદાર અને નવું વોઇસ કમાન્ડ (Voice Command) ફીચર લોન્ચ કર્યું છે. કંપની દ્વારા આ નવું ફીચર તેમના લેટેસ્ટ એથરસ્ટેક 7 (AtherStack 7) સોફ્ટવેર અપડેટ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ અદભુત અપડેટ દ્વારા સ્કૂટર્સમાં સુરક્ષા, કનેક્ટિવિટી અને રાઇડર્સની સુવિધા સાથે જોડાયેલા અનેક સ્માર્ટ ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે.
સૌથી મહત્વની અને ગ્રાહકો માટે રાહતની વાત એ છે કે આ સોફ્ટવેર અપડેટ ઓટીએ (OTA – Over-The-Air) માધ્યમથી આપવામાં આવી રહ્યું છે. આનો સીધો અર્થ એ થાય છે કે હાલના ગ્રાહકોએ આ નવું ફીચર મેળવવા માટે કોઈ સર્વિસ સેન્ટર (Service Center) પર જવાની બિલકુલ જરૂર નથી. ઇન્ટરનેટ કનેક્શન દ્વારા ગ્રાહકોનું ઇલેક્ટ્રિક સ્કૂટર આપોઆપ અપડેટ થઈ જશે.
સ્ક્રીનને અડકવાની જરૂર નથી, વોઇસ કમાન્ડથી થશે કામ
નવા વોઇસ કમાન્ડ ફીચરની મદદથી રાઇડર હવે પોતાના સ્કૂટર સાથે સામાન્ય બોલચાલની ભાષામાં વાત કરી શકશે. હવે રસ્તા પર જતા સમયે નેવિગેશન (Navigation) શરૂ કરવા, કોઈને ફોન કોલ (Phone Call) કરવા, મ્યુઝિક (Music) પ્લે કરવા કે અન્ય કાર્યો માટે સ્કૂટરની ડિસ્પ્લે સ્ક્રીનને વારંવાર ટચ કરવાની જરૂર નહીં પડે. આ સિસ્ટમ સામાન્ય વાતચીતની ભાષાને આસાનીથી સમજી શકે છે. શહેરોમાં દરરોજ મુસાફરી કરતા લોકો માટે આ ફીચર વરદાન સાબિત થશે, કારણ કે ડ્રાઇવિંગ કરતી વખતે રાઇડરનું પૂરું ધ્યાન રસ્તા પર જ રહેશે.
રસ્તાના ખાડાઓ અને અકસ્માત સામે મળશે એડવાન્સ સુરક્ષા
આ એથરસ્ટેક 7 (AtherStack 7) અપડેટમાં ઘણા સુરક્ષા ફીચર્સ આપવામાં આવ્યા છે. જેમાં પ્રોએક્ટિવ એલર્ટ્સ (Proactive Alerts) ફીચર વાહન સાથે જોડાયેલી જરૂરી માહિતી અને સંભવિત જોખમો વિશે રિયલ-ટાઇમ એલર્ટ આપે છે. આ અપડેટનું સૌથી ખાસ ફીચર પોથોલ એલર્ટ્સ (Pothole Alerts) છે. આ સિસ્ટમ સ્કૂટરમાં લાગેલા અત્યાધુનિક સેન્સર્સ (Sensors) ની મદદથી રસ્તા પરના ખાડાઓની અગાઉથી ઓળખ કરી લે છે અને રાઇડરને વહેલી ચેતવણી આપે છે. આ ચેતવણી સ્ક્રીન પર દેખાવાની સાથે વોઇસ એલર્ટ દ્વારા પણ સંભળાય છે, જેથી અકસ્માત નિવારી શકાય.
આ ઉપરાંત, અકસ્માતના સમયે મદદરૂપ થાય તેવું ક્રેશ એલર્ટ્સ (Crash Alerts) ફીચર પણ લોન્ચ કરાયું છે. જો કોઈ ગંભીર અકસ્માત થાય, તો આ સિસ્ટમ આપોઆપ રાઇડરનું લાઈવ લોકેશન (Live Location) તેના ઇમરજન્સી કોન્ટેક્ટ્સ (Emergency Contacts) ને મોકલી દે છે. આ ટેક્નોલોજી સામાન્ય ઝટકા અને ગંભીર અકસ્માત વચ્ચેનો તફાવત બખૂબી સમજી શકે છે. અકસ્માત સમયે સ્કૂટરની સ્ક્રીન પર પણ ઇમરજન્સી નંબર ડિસ્પ્લે થશે જેથી આસપાસના લોકો મદદ કરી શકે.
ચોરીથી બચાવશે પાર્કસેફ અને લોકસેફ
સ્કૂટરની સુરક્ષા વધારવા માટે કંપનીએ પાર્કસેફ (ParkSafe) અને લોકસેફ (LockSafe) ફીચર્સ પણ આપ્યા છે. પાર્કસેફ રાઇડરને એલર્ટ કરે છે જો સ્કૂટર નો-પાર્કિંગ અથવા તો વાહન ટો (Tow) થઈ શકે તેવી જગ્યાએ પાર્ક કર્યું હોય. જ્યારે લોકસેફ ફીચર સ્કૂટર સાથે થતી કોઈપણ શંકાસ્પદ છેડછાડ કે ચોરીના પ્રયાસને ઓળખીને તરત જ માલિકના સ્માર્ટફોન (Smartphone) પર નોટિફિકેશન મોકલે છે. માલિક એથર એપ (Ather App) ની મદદથી દૂર બેઠા જ સ્કૂટરને લોક કે ડીએક્ટિવેટ કરી શકે છે અને ચાર્જિંગ પણ બંધ કરી શકે છે.













