Gujarat24  /  Sports  /  

IPL 2025 Revised Schedule: આગામી 16મીથી IPL ફરી શરૂ થવાની શક્યતા, જાણો ફાઈનલ મેચ કઈ તારીખે ક્યાં રમાશે

IPL 2025 Revised Schedule Update: ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ ઉપર વધેલા તનાવ બાદ BCCIએ શુક્રવારે આઇપીએલને એક સપ્તાહ માટે સ્થગિત કરી દેવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ બોર્ડના ઉચ્ચ અધિકારીઓ બાકીની લીગને કેવી રીતે અને ક્યાં પૂરી કરવી તે અંગે સતત બેઠક યોજી રહ્યા છે અને સરકારના વિવિધ વિભાગો સાથે સંપર્કમાં છે. બોર્ડના એક અધિકારીએ આપેલા સંકેત મુજબ બાકીની લીગ મેચોનો પ્રારંભ 16મી મેથી થઈ શકે છે.

અગાઉના કાર્યક્રમ મુજબ 25મીએ ફાઇનલ રમાવાની હતી પરંતુ હવે તેને રિશિડયૂલ કરવામાં આવી છે અને તે 30મી મેએ રમાશે. બાકીની લીગ મેચો દેશના 16 વેન્યૂમાં રમાવાની હતી પરંતુ માનવામાં આવી રહ્યું છે કે બોર્ડે ચેન્નાઈ, બેંગલુરુ તથા હૈદરાબાદને શોર્ટ લિસ્ટ કર્યા છે. સંભવિત એક કે બે દિવસમાં નવો કાર્યક્રમ જાહેર કરવામાં આવી શકે છે.

વર્તમાન સિઝનમાં 12 લીગ મેચો અને ચાર પ્લે ઓફના મુકાબલા બાકી છે અને ટૂર્નામેન્ટને પૂરી કરવા માટે બે સપ્તાહનો સમય છે જેથી ડબલ હેડરના મુકાબલા વધી શકે છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા સહિત કેટલાક વિદેશી ખેલાડીઓ પોતાના વતન પરત ફર્યા છે અને તેમને પાછા લાવવા માટે ફ્રેન્ચાઈઝીઓ વિશેષ વ્યવસ્થા કરી રહી છે. લીગમાં અત્યાર સુધી 58 મેચ રમાઈ ચૂકી છે અને 58૮મો મુકાબલો અધવચ્ચેથી રદ કરવામાં આવ્યો હતો.

દિલ્હી અને પંજાબની મેચને પૂરી કરવામાં આવશે કે નવેસરથી રમાડવામાં આવશે તે અંગે બોર્ડ દ્વારા હજુ સુધી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટાઇટન્સ પ્રથમ તથા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ બીજા ક્રમે છે. ઓરેન્જ કેપ સૂર્યકુમાર યાદવના અને પર્પલ કેપ પ્રસિદ્ધ ક્રિષ્નાના નામે છે.