Operation Sindoor Update: ઓપરેશન સિંદૂર દ્વારા પાક.ને 4 દિવસમાં ભારે નુકસાન પહોંચાડયા પછી યુદ્ધ વિરામ કરવામાં આવ્યું હતું. સેનાની ત્રણેય પાંખનાં અધિકારીઓ દ્વારા રવિવારે સાંજે પ્રેસ કોન્ફરન્સમાં ઓપરેશન સિંદૂર શા માટે કરવામાં આવ્યું અને શા માટે પાક. પર હુમલા કરીને તેને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું તેની વિગતો જાહેર કરવામાં આવી હતી. પાક. સાથે DGMO સ્તરની વાતચીતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
DGMO દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે બંને દેશો વચ્ચે વાતચીત ફક્ત DGMO સ્તરે જ કરવામાં આવશે. ભારતનાં હુમલામાં પાક.નાં 30થી 40 સૈનિકો અને અધિકારીઓ માર્યા ગયા હતા. આતંકી અડ્ડાઓ પર કરવામાં આવેલા હુમલામાં 100થી વધારે આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. ત્રણેય સેનાની પ્રેસ કોન્ફરન્સમાં DGMO લેફટનન્ટ જનરલ રાજીવ થઈ, વાઈસ એડમિરલ એ એન પ્રમોદ અને એરમાર્શલ અવધેશ કુમાર ભારતીએ ઓપરેશન સિંદૂરની માહિતી આપી હતી.
લેફ્ટનન્ટ રાજીવ ઘઈએ કહ્યું હતું કે પહલગામ હુમલાનાં 26 નિર્દોષ લોકોને ક્રૂરતાથી મારી નાંખવામાં આવ્યા હતા. આ પછી ભારતની સેનાએ પાક. અને પીઓકેમાં આવેલા આતંકી સ્થળોને ટાર્ગેટ કર્યા હતા. જેમાં દુશ્મનોને ભારે નુકસાન થયું છે. અમે સીમા પાર 9 આતંકી અડ્ડાઓ પર હુમલા કરીને 100થી વધારે આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા.
લેફટનન્ટ જનરલ ઘઈએ કહ્યું કે 9મી અને 10મીએ પાક. દ્વારા ડ્રોન અને વિમાનથી હુમલા કરાયા જેને નિષ્ફળ બનાવાયા હતા. આપણું ઓપરેશન સિંદૂર ફક્ત આતંકવાદ સામે હતું. આતંકીઓના અંગ્ન તબાહ કરવાના હતા. અમે 9 આતંકી અડ્ડાઓ તોડી પાડયા હતા જેમાં મુરીદકે લશ્કરનું હેડ ક્વાર્ટર હતું. અહીં અજમલ કસાબ અને ડેવિડ હેડલીએ તાલીમ લીધી હતી.
એર માર્શલ ભારતીએ કહ્યું કે પાક.ની આજીજી પછી આપણે યુદ્ધવિરામ માટે સંમત થયા હતા પણ તેણે ૩ કલાકમાં જ તેનો ભંગ કર્યો હતો. આર્મી ચીફ દ્વારા અમને જડબાતોડ જવાબ આપવાની પુરી સત્તા આપવામાં આવી છે. અમે સંયમ રાખીને હુમલા કર્યા હતા. તેને સંદેશો આપ્યો હતો કે જો ભારતની સંપ્રભુતા અને અખંડતા પર હુમલા કરાશે તો તેનો નિર્ણાયક જવાબ અપાશે. અમારી લડાઈ આતંકવાદીઓ સાથે હતી, પાક.ની સેના સાથે નહીં. જો કે પાક. દ્વારા ડ્રોન અને UVAથી હુમલા કરાતા આપણી પાસે તેનો જવાબ આપવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. અમે પાકના એરબેઝ કમાન્ડ, મિલિટરી સિસ્ટમ અને લશ્કરી એરબેઝ પર હુમલા કર્યા હતા. તેઓ લડાઈ ઈચ્છતા હતા તેનો આપણે જવાબ આપ્યો હતો. તેમના લાહોર અને ગુજરાવાલા રડાર સર્વેલન્સને તોડી પડાયા હતા. ૭મીએ તેની રડાર સિસ્ટમ તોડી પાડી હતી. ભારતે તેના કોઈ ઈન્ફ્રાસ્ટ્રકચરને નુકસાન કર્યું ન હતું. ફક્ત આતંકીઓને અને તેમનાં અભ્રુઓને જ ટાર્ગેટ કરાયા હતા.