Unseasonal Rain Update: ગુજરાતમાં કમોસમી વરસાદ-માવઠાનો માર હજુ યથાવત છે. આજે પણ રાજ્યના 19 જિલ્લામાં થોડાથી લઈને વધુ પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ 2.83 ઈંચ વરસાદ દ્વારકાના કલ્યાપણપુર તાલુકામાં વરસ્યો હતો. દ્વારકા, જુનાગઢ અને જામનગર સહિતના ત્રણ જિલ્લાના વિવિધ તાલુકામાં દોઢથી અઢી ઈંચ સુધી વરસાદ પડયો હતો.
રાજ્યમા આજે સવારના 6થી સાંજના 6 વાગ્યા સુધીના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડાઓ મુજબ દ્વારકાના કલ્યાણપુરમાં 2.83 ઈંચ, જુનાગઢના માળીયા 1.77 ઈંચ અને જામનગરના જામજોધપુરમાં 1.57 ઈંચ વરસાદ પડયો હતો. આ ત્રણેય જિલ્લામાં બપોરના બે વાગ્યા બાદ વરસાદ શરૂ થયો હતો અને સાંજ સુધીમાં જુદા જુદા સ્થળે વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત જુનાગઢના માણાવદર અને અમરેલીના ધારીમાં 1.38 ઈંચ વરસાદ પડ્યો હતો.
જામનગરના લાલપુરમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પોશિનામાં 18 અને કચ્છના ભુજમાં ચાર મી.મી. વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્ર અન્ય જિલ્લાના વિવિધ તાલુકામાં 1થી 15 મી.મી. સુધીનો સરેરાશન વરસાદ નોંધાયો હતો. આમ ગુજરાતમાં કમોસમી વરસાદનો માર યથાવત છે અને આજના દિવસોમાં 19 જિલ્લામાં થોડાથી વધતા પ્રમાણમાં જુદા-જુદા સ્થળે કમોસમી વરસાદ પડ્યો હતો.