Rules Changing From 1st July: નવા મહિનાની શરૂઆત સાથે જ દેશમાં સામાન્ય નાગરિકોના બજેટ અને રોજિંદા જીવનને અસર કરતા અનેક નિયમો અમલમાં આવવા જઈ રહ્યા છે. 1 જુલાઈથી વિવિધ આર્થિક અને સામાજિક ક્ષેત્રોમાં મોટા ફેરફારો થવાની સંભાવના છે, જેના કારણે સામાન્ય લોકો પર આર્થિક બોજ વધી શકે છે. આ ફેરફારોમાં બેંકિંગ, ટેક્સેશન, પાસપોર્ટ સેવાઓ અને રેલવે મુસાફરીનો પ્રત્યક્ષ સમાવેશ થાય છે. નાગરિકોએ મુશ્કેલીથી બચવા માટે સમયસર પોતાના નાણાકીય આયોજનો પૂર્ણ કરવા અપીલ કરવામાં આવી છે.
આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરવા ઈચ્છતા નાગરિકો માટે મહત્વના સમાચાર છે કે 14 વર્ષના લાંબા સમયગાળા બાદ સરકાર દ્વારા પાસપોર્ટ (Passport) બનાવવાની સરકારી ફીમાં નોંધપાત્ર વધારો કરવામાં આવી શકે છે. જોકે, ડિજિટલ સેવાઓનો ઉપયોગ કરતા ગ્રાહકો માટે રાહતના સમાચાર પણ છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આધાર એપ (Aadhar App) ના માધ્યમથી ઈ-મેલ આઈડી (E-mail ID) અપડેટ કરવાની સુવિધા ૩1 ડિસેમ્બર સુધી તદ્દન મફત રાખવામાં આવી છે, જેથી નાગરિકો ઓનલાઈન સુધારો સરળતાથી કરાવી શકશે.
નાણાકીય ક્ષેત્રે દેશની અગ્રણી ખાનગી બેંક એચડીએફસી (HDFC Bank) અને જાહેર ક્ષેત્રની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank of India – SBI) તેમના ક્રેડિટ કાર્ડ (Credit Card) ના નિયમો, લેટ ફી અને રિવોર્ડ પોઈન્ટ્સની પોલિસીમાં મોટો ફેરફાર લાવવા જઈ રહી છે. બીજી તરફ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (Reserve Bank of India – RBI) દ્વારા ગ્રાહકોના હિતમાં મિસ-સેલિંગ (Mis-selling) સામે નવી કડક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. હવેથી ગ્રાહકની મરજી વિરુદ્ધ ખોટી રીતે નાણાકીય પ્રોડક્ટ્સ વેચનાર બેંકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને ગ્રાહકોને રિફંડ તેમજ યોગ્ય વળતર મેળવવાનો સંપૂર્ણ કાનૂની અધિકાર મળશે.
ભારતીય રેલવે (Indian Railway) દ્વારા મુસાફરોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને તત્કાલ ટિકિટ (Tatkal Ticket) બુકિંગ તેમજ રિફંડના નિયમોમાં ફેરફાર કરવાની સંભાવના છે. આ સાથે જ સુરક્ષા નિયમો અને દંડાત્મક કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવી છે. રેલવે પ્રશાસન દ્વારા મહિલા કોચ (Ladies Coach) માં ગેરકાયદેસર રીતે મુસાફરી કરનારા પુરુષો સામે ભારે દંડ અને જેલની જોગવાઈ કરાઈ છે. આ ઉપરાંત, ટ્રેનમાં જોખમી કે જ્વલનશીલ સામાન સાથે મુસાફરી કરવા બદલ રૂ.1૦,૦૦૦ સુધીનો મોટો દંડ થઈ શકે છે. રેલવે સ્ટેશન (Railway Station) કે ટ્રેનની અંદર સત્તાવાર લાયસન્સ વગર અનધિકૃત વેચાણ (Unauthorized Vending) કરનારા ફેરીયાઓ સામે પણ કાયદાકીય સકંજો કસાશે.
કરદાતાઓ માટે આગામી મહિનો ખૂબ જ નિર્ણાયક છે. નાણાકીય વર્ષ માટે આઈટીઆર-1 (ITR-1) અને આઈટીઆર-2 (ITR-2) ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૩1 જુલાઈ નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત, એપ્રિલથી જૂન ક્વાર્ટરના ટીડીએસ (TDS) જમા કરાવવાની અંતિમ તારીખ 7 જુલાઈ રહેશે. વેપારીઓ માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સંબંધિત કેટલાક નવા નિયમો પણ અમલી બનશે. બીજી તરફ, સરકારી તેલ કંપનીઓ (Oil Marketing Companies) દ્વારા 1 જુલાઈના રોજ એલપીજી (LPG), સીએનજી (CNG) અને પીએનજી (PNG) ગેસના દરોની વૈશ્વિક બજારના આધારે સમીક્ષા કરવામાં આવશે. રાહતની વાત એ છે કે પેટ્રોલ-ડીઝલ અને ગેસ વિતરણ પર અગાઉ લગાવેલા કેટલાક સ્થાનિક પ્રતિબંધો હવે સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે.













