Rocket Woman of India: અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં આવેલું સ્મિથસોનિયન નેશનલ એર એન્ડ સ્પેસ મ્યુઝિયમ વિશ્વના પ્રતિષ્ઠિત વિમાનો અને અવકાશયાત્રાની યાદગાર વસ્તુઓ માટે જાણીતું છે. જોકે, હાલમાં આ મ્યુઝિયમમાં ભારતની એક એવી અનોખી ઓળખ સામેલ થઈ છે જે વિજ્ઞાન અને સંસ્કૃતિનો અદભૂત સંગમ છે. અત્યાધુનિક અવકાશ ઉપકરણોની વચ્ચે અત્યારે એક ભારતીય સાડી પ્રદર્શિત કરવામાં આવી છે, જે ભારતીય વૈજ્ઞાનિક નંદિની હરિનાથ (Nandini Harinath) ની છે.
કોણ છે નંદિની હરિનાથ?
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ના વરિષ્ઠ વૈજ્ઞાનિક નંદિની હરિનાથને ભારતની ‘રોકેટ વુમન’ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે ભારતના પ્રથમ આંતરગ્રહીય મિશન ‘મંગળયાન’ (Mars Orbiter Mission – MOM) માં ડેપ્યુટી ઓપરેશન્સ ડાયરેક્ટર તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી. મ્યુઝિયમમાં જે સાડી રાખવામાં આવી છે, તે તેમણે મંગળયાન મિશનના લોન્ચિંગના એ ઐતિહાસિક દિવસે પહેરી હતી જ્યારે યાન પૃથ્વીની કક્ષા છોડી મંગળ તરફ રવાના થયું હતું.
મિશન મંગળયાનની સફળતા અને સંઘર્ષ
ઈસરો (ISRO) દ્વારા મંગળયાન મિશન 5 નવેમ્બર, 2013 ના રોજ સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. ભારત મંગળ ગ્રહ સુધી પહોંચનારો પ્રથમ એશિયન દેશ અને વિશ્વનો ચોથો દેશ બન્યો હતો. નંદિની હરિનાથે જણાવ્યું હતું કે, આ મિશન પર આખી દુનિયાની નજર હતી. વડાપ્રધાનથી લઈને નાસા સુધીના તમામ લોકોએ ભારતીય વૈજ્ઞાનિકોની આ ક્ષમતાને બિરદાવી હતી. નંદિનીએ તેમના 20 વર્ષના કરિયરમાં 14 થી વધુ મિશનમાં કામ કર્યું છે, પરંતુ મંગળયાન તેમના હૃદયની સૌથી નજીક છે.
પ્રેરણા અને બાળપણ
નંદિની હરિનાથનો જન્મ શિક્ષિત પરિવારમાં થયો હતો, જ્યાં તેમની માતા ગણિતના શિક્ષક અને પિતા એન્જિનિયર હતા. એક ઇન્ટરવ્યુમાં તેમણે ખુલાસો કર્યો હતો કે તેમનો અવકાશ પ્રત્યેનો લગાવ ‘સ્ટાર ટ્રેક’ સીરિયલ અને ‘એપોલો 13’ જેવી ફિલ્મો જોવાથી શરૂ થયો હતો. આજે તેમની સાડી સ્મિથસોનિયન મ્યુઝિયમમાં હોવી એ માત્ર એક વસ્ત્રનું સન્માન નથી, પરંતુ તે ભારતીય મહિલા વૈજ્ઞાનિકોના અતુલ્ય યોગદાનનું વૈશ્વિક સન્માન છે.





