Delhi Hotel Fire: રાજધાની દિલ્હીમાંથી (Delhi) એક અત્યંત દુખદ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ દિલ્હીના (South Delhi) હોઝરાની (Hauz Rani) વિસ્તારમાં આવેલી એક બહુમાળી હોટલમાં વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ભયાનક અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૦ લોકોના કરુણ મોત થયા હોવાની પુષ્ટિ દિલ્હી પોલીસ (Delhi Police) દ્વારા કરવામાં આવી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે અને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.
વહેલી સવારે હોટલના બેઝમેન્ટમાંથી શરૂ થઈ આગ
દિલ્હી દમકલા વિભાગના (Delhi Fire Service) જણાવ્યા અનુસાર, સવારે પોણા દસ વાગ્યાની આસપાસ માલવીય નગર (Malviya Nagar) નજીક આવેલા હોઝરાનીના ફ્લોરિસ્ટ ઇન / ફ્લોરિશ ઇન હોટલના (Florist Inn / Flourish Inn Hotel) બેઝમેન્ટમાં આવેલા એક રેસ્ટોરન્ટમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. તંગ ગલીઓમાં આવેલી આ પાંચ માળની હોટલમાં આશરે ૨૫ રૂમ હતા. જ્યારે આગ લાગી ત્યારે મોટાભાગના મુસાફરો ગાઢ નિદ્રામાં હતા, જેના કારણે તેમને બહાર નીકળવાનો મોકો જ ન મળ્યો અને ધુમાડાના ગોટેગોટામાં લોકો ફસાઈ ગયા હતા.
મોટાભાગના વિદેશી નાગરિકો સારવાર માટે આવ્યા હતા
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ હોટલમાં આશરે ૪૦ જેટલા લોકો રોકાયા હતા, જેમાં મોટાભાગના વિદેશી નાગરિકો (Foreign Tourists) હતા. આ વિદેશીઓ દિલ્હીની હોસ્પિટલોમાં પોતાની સારવાર (Medical Treatment) કરાવવા માટે ભારત આવ્યા હતા અને અહીં સ્ટે કર્યો હતો. દમકલ વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ અત્યાર સુધીમાં ૩૪ થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે, જેમાંથી ઘણાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
ઇલેક્ટ્રિક ચૂલ્હો ચાલુ કરતા જ આગ ભભૂકી ઉઠી: શેફની આપવીતી
હોટલના રેસ્ટોરન્ટમાં કામ કરતા મુખ્ય શેફ (Chef) કેસર સિંહે (Kesar Singh) આ ભયાનક દુર્ઘટનાની આપવીતી જણાવતા કહ્યું કે, “સવારે આશરે આઠ વાગ્યાની આસપાસ જ્યારે મેં રસોડામાં જઈને ઇલેક્ટ્રિક ચૂલ્હો (Electric Stove) ચાલુ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે અચાનક જ આગની જ્વાળાઓ ભભૂકી ઉઠી હતી. મને તરત જ અહેસાસ થયો કે આગ હોટલમાં અગાઉથી જ ક્યાંક લાગેલી હતી. મેં તરત જ મારા આસિસ્ટન્ટને એલર્ટ કર્યો અને અમે બંને કોઈક રીતે જીવ બચાવીને બહાર ભાગ્યા. બહાર આવીને જોયું તો આખી હોટલ આગની ઝપેટમાં આવી ચૂકી હતી.”
પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તપાસ શરૂ
આ ભયાનક દુર્ઘટના બાદ દિલ્હી પોલીસ (Delhi Police) અને ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે તૈનાત છે. વહીવટી તંત્ર દ્વારા હજુ સત્તાવાર રીતે મૃતકોનો આંકડો જાહેર કરવામાં થોડી સાવચેતી રાખવામાં આવી રહી છે, પરંતુ હોસ્પિટલ અને પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૃત્યુઆંક વધી શકે છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને હોટલમાં ફાયર સેફ્ટીના (Fire Safety) સાધનો અને નિયમોનું પાલન થયું હતું કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી છે.














