Surat Cyber Crime: આજના સમયમાં ફિટ રહેવા અને વજન ઉતારવા માટે લોકો અવનવા પ્રયોગો કરતા હોય છે, પરંતુ આ જ ઘેલછાનો લાભ ઉઠાવી સાયબર ગઠિયાઓ કરોડો રૂપિયા સબડાવી રહ્યા છે. સુરતમાં વજન ઉતારવાની દવા અને ટિપ્સ આપવાના નામે એક મહિલા સાથે ₹1.77 કરોડની અધધ રકમની છેતરપિંડી થવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરત સાયબર ક્રાઇમ સેલે (Surat Cyber Crime Cell) આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને હરિયાણાના (Haryana) ગુરુગ્રામ (Gurugram) ખાતે ચાલતા એક હાઇટેક કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે અને બે મહિલા સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
‘ક્યુરેસ્ટ સાયન્સ’ કંપનીના નામે ચાલતું હતું કૌભાંડ
મળતી માહિતી મુજબ, આ આખું નેટવર્ક ‘ક્યુરેસ્ટ સાયન્સ એન્ડ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ’ (Curest Science and Wellness Private Limited) નામની કંપનીના ઓઠા હેઠળ ચાલતું હતું. આરોપીઓ સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા વજન ઘટાડવાની આકર્ષક જાહેરાતો મૂકી લોકોને જાળમાં ફસાવતા હતા. સુરતની ભોગ બનનાર મહિલાએ જ્યારે તેમનો સંપર્ક કર્યો, ત્યારે શરૂઆતમાં પ્રોડક્ટ્સ અને ડાયેટ પ્લાનના નામે નાની રકમ વસૂલવામાં આવી હતી.
ધમકી આપીને વધુ ₹81 લાખ માંગ્યા
ધીમે-ધીમે પ્રોસેસિંગ ફી, ફાઇલ ચાર્જ અને અલગ-અલગ પ્રોડક્ટ્સના બહાને ટોળકીએ મહિલા પાસેથી કટકે-કટકે ₹1.77 કરોડ પડાવી લીધા હતા. આટલેથી જ ન અટકતા, ગઠિયાઓએ મહિલા પાસે વધુ ₹81 લાખની માંગણી શરૂ કરી હતી અને જો રૂપિયા નહીં આપે તો ફાઇલ બંધ કરી દેવાની તેમજ અગાઉ ભરેલા નાણાં ડૂબી જશે તેવી ધમકીઓ આપી માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આખરે કંટાળીને મહિલાએ સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.
ગુરુગ્રામના કોલ સેન્ટરમાં 150થી વધુ યુવતીઓ સક્રિય હતી
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ છેતરપિંડીનું મુખ્ય કેન્દ્ર હરિયાણાના ગુરુગ્રામ (Gurugram) ખાતે આવેલું એક વિશાળ કોલ સેન્ટર હતું. આ કોલ સેન્ટરમાં અંદાજિત 150થી વધુ યુવતીઓ કામ કરતી હતી, જેઓ દેશભરના લોકોને ટાર્ગેટ કરી વજન ઉતારવાની સ્કીમો સમજાવી ફસાવતી હતી. હાલ પોલીસે આ રેકેટના મુખ્ય સૂત્રધારો સહિત ચારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ કૌભાંડના તાર ક્યાં સુધી જોડાયેલા છે તેની તપાસ શરૂ કરી છે.














