Gujarat24

Fuel Price Hike: વેકેશન ખુલતા જ વાલીઓ પર મોંઘવારીનો બૉમ્બ! સ્કૂલ વાનના ભાડામાં તોતિંગ વધારો

Share On :

School Reopening June 8

School Auto Rickshaw Fare : ઉનાળુ વેકેશન (Vacation) પૂરું થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે શાળા ખુલતાની સાથે જ વાલીઓની ચિંતામાં મોટો વધારો થવા જઈ રહ્યો છે. સ્કૂલ વાહન એસોસિએશન (School Vehicle Association) દ્વારા સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં સીધો 10 ટકાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે આગામી શૈક્ષણિક સત્રથી જ વાલીઓના ખિસ્સા પર આર્થિક બોજ વધશે. 8 જૂનથી (8 June) રાજ્યભરમાં શાળાઓ પુનઃ શરૂ થઈ રહી છે અને તે જ દિવસથી આ નવો ભાવવધારો અમલી બની જશે.

ઈંધણના ભાવવધારાને કારણે વાહન ચાલકો મજબૂર
સ્કૂલ વાન અને રિક્ષા ચાલકોના સંગઠનોનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ (Petrol), ડીઝલ (Diesel) અને સીએનજી (CNG) ના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ઈંધણ ઉપરાંત વાહનોના સ્પેરપાર્ટ્સ, ટાયર અને મેન્ટેનન્સનો ખર્ચ પણ આસમાને પહોંચ્યો છે. આ સંજોગોમાં જૂના ભાવે સ્કૂલ વાન ચલાવવી પરવડે તેમ ન હોવાથી સ્કૂલ વાહન એસોસિએશન દ્વારા સર્વાનુમતે 10 ટકા ભાડું વધારવાનો આકરો નિર્ણય લેવો પડ્યો છે. વાહન ચાલકોના મતે, જો આ વધારો કરવામાં ન આવે તો તેમનો દૈનિક ગુજરાન ચલાવવો પણ મુશ્કેલ બની જાય તેમ છે.

વાલીઓના બજેટ ખોરવાશે: રૂ. 1200 ના બદલે હવે રૂ. 1400 સુધી ચૂકવવા પડશે
આ નવા નિર્ણયના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોનું માસિક બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ જશે. અત્યાર સુધી જે રૂટ માટે વાલીઓ દ્વારા માસિક આશરે 1200 રૂપિયા ભાડું ચૂકવવામાં આવતું હતું, તે હવે વધીને 1350 રૂપિયાથી લઈને 1400 રૂપિયા સુધી પહોંચી જશે. એટલે કે દર મહિને દરેક બાળક દીઠ વાલીઓએ 150 થી 200 રૂપિયા વધુ ચૂકવવા પડશે. જો એક જ ઘરમાંથી બે બાળકો સ્કૂલ વાનમાં જતા હોય, તો આ બોજ બમણો થઈ જશે.

નવા શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જ સામાન્ય રીતે સ્કૂલ ફી, યુનિફોર્મ, પુસ્તકો અને સ્ટેશનરી પાછળ વાલીઓને મોટો ખર્ચ થતો હોય છે. તેવામાં સ્કૂલ ટ્રાન્સપોર્ટેશન (School Transportation) ના ભાડામાં થયેલો આ અચાનક વધારો વાલીઓની કમર તોડનારો સાબિત થશે. સોશિયલ મીડિયા અને વિવિધ વાલી મંડળોમાં આ ભાવવધારા સામે અત્યારથી જ નારાજગી અને વિરોધનો સૂર ઉઠી રહ્યો છે.