Unjha fake variyali: ગુજરાતમાં નકલી અને ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો બનાવતા તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી છે. મસાલાના હબ ગણાતા ઊંઝા (Unjha) નજીક આવેલા ઉનાવા (Unava) ખાતેથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નકલી વરિયાળી બનાવવાનું એક મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. ઉનાવાના શિવ ગંગા એસ્ટેટ (Shiv Ganga Estate) માં ગેરકાયદેસર રીતે કેમિકલ યુક્ત કલર ભેળવીને વરિયાળીને લીલીછમ બનાવવાનો કારોબાર ચાલી રહ્યો હતો, જેના પર ખોરાક અને ઔષધ નિયમન તંત્રે (Food and Drug Control Administration – FDCA) ઓચંતી રેડ પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં
મળતી માહિતી મુજબ, આ ફેક્ટરીમાં હલકી ગુણવત્તાની વરિયાળીને પ્રીમિયમ અને તાજી બતાવવા માટે તેમાં જોખમી આર્ટિફિશિયલ કલર (Artificial Color) ઉમેરવામાં આવતો હતો. આ ભેળસેળયુક્ત લીલી વરિયાળી લોકોના રસોડા સુધી પહોંચે અને લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે તે પહેલાં જ પ્રશાસને સતર્કતા દાખવીને રેડ પાડી દીધી હતી. બજારમાં આ વરિયાળી ‘વિની ગોલ્ડ વરીયાળી’ (Vini Gold Variyali) ના બ્રાન્ડ નેમથી વેચવા માટે તૈયાર કરવામાં આવી રહી હતી.
8.57 લાખનો મુદ્દામાલ જપ્ત, માલિક સામે ગુનો દાખલ
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ દરોડા દરમિયાન સ્થળ પરથી આશરે 4,766 કિલોગ્રામ જેટલો ભેળસેળયુક્ત વરિયાળીનો જથ્થો મળી આવ્યો હતો, જેને તાત્કાલિક અસરથી જપ્ત કરવામાં આવ્યો છે. આ સમગ્ર કૌભાંડ ‘વી. એન. એન્ટરપ્રાઇઝ’ (V. N. Enterprise) નામની પેઢી હેઠળ ચલાવવામાં આવી રહ્યું હતું. તંત્રે પેઢીના માલિક નીમકુમાર પટેલ (Nimkumar Patel) સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અધિકારીઓએ સ્થળ પરથી કુલ 8.57 લાખ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કર્યો છે અને વરિયાળીના સેમ્પલ લઈ તેને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે.













