Kapadvanj Firecracker Blas : ખેડા જિલ્લાના કપડવંજ (Kapadvanj) ખાતે આવેલી એક ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક વિસ્ફોટ મામલે પોલીસને મોટી સફળતા મળી છે. ઘટનાના 11 દિવસ બાદ ફેક્ટરીના મુખ્ય આરોપી અને માલિક મિતુલ (Mitul)ની ખેડા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (Kheda SOG) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી લાંબા સમયથી પોલીસને થાપ આપીને ફરાર હતો, પરંતુ ચોક્કસ બાતમીના આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો છે.
27 જૂનના રોજ થયો હતો પ્રચંડ વિસ્ફોટ, એક શ્રમિકનું મોત
ગત 27 જૂનના રોજ કપડવંજમાં આવેલી આ ફટાકડાની ફેક્ટરીમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે ફેક્ટરીમાં કામ કરી રહેલા બે શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હતા. બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન એક શ્રમિકનું કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને ફેક્ટરી માલિક વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. અકસ્માત બાદ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી મિતુલ કોઈપણ પ્રકારની સરકારી મંજૂરી કે લાયસન્સ વિના જ આ ફટાકડાની ફેક્ટરી ગેરકાયદેસર રીતે ચલાવી રહ્યો હતો. ફેક્ટરીમાં સુરક્ષાના કોઈ સાધનો નહોતા.
કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવશે પોલીસ, વધુ ખુલાસા થવાની આશંકા
ખેડા SOG (Kheda SOG) દ્વારા આરોપી મિતુલની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પોલીસ આગામી સમયમાં આરોપીને સ્થાનિક કોર્ટ (Court) સમક્ષ રજૂ કરીને તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરશે. પોલીસનું માનવું છે કે રિમાન્ડ દરમિયાન આ ગેરકાયદેસર ફેક્ટરીમાં દારૂગોળો ક્યાંથી આવતો હતો અને તેની પાછળ અન્ય કયા લોકો સામેલ છે, તે અંગેના અનેક મોટા ખુલાસા થઈ શકે છે. હાલમાં SOG દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.














