Gujarat24

રાપરમાં મધરાતે મિની વાવાઝોડું: તેજ પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા, આખું શહેર અંધારપટમાં

Share On :

Mini Cyclone Kutch

Kutch Pre Monsoon Activity: કચ્છ (Kutch) જિલ્લાના રાપર (Rapar) શહેરમાં રાત્રિ દરમિયાન હવામાનમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી પડી રહેલી કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે મોડી રાત્રે અચાનક વાતાવરણનો મિજાજ બદલાયો હતો. પ્રી-મોન્સૂન એક્ટિવિટી (Pre-Monsoon Activity) ના કારણે સર્જાયેલા આ અણધાર્યા ફેરફારને લીધે સમગ્ર પંથકમાં મિની વાવાઝોડા (Mini Cyclone) જેવો માહોલ સર્જાઈ ગયો હતો. તીવ્ર ગતિએ ફૂંકાયેલા ઠંડા પવન સાથે વરસાદી ઝાપટાં શરૂ થતાં લોકો આશ્ચર્યમાં મૂકાયા હતા.

ભારે પવનથી ધૂળની ડમરીઓ ઉડી અને વીજળી ગુલ થઈ
રાત્રિના સમયે પવનની ગતિ એટલી વધારે હતી કે તેના કારણે સમગ્ર રાપર શહેરમાં ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી. વાવાઝોડા જેવા તોફાની પવન અને ધૂળના કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી (Visibility) ખૂબ ઓછી થઈ ગઈ હતી. આ અચાનક આવેલા વાવાઝોડાને પગલે શોર્ટ સર્કિટ કે મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે વીજ કંપની (Electricity Company) એટલે કે પીજીવીસીએલ (PGVCL) દ્વારા તકેદારીના ભાગરૂપે સમગ્ર શહેરમાં થોડા સમય માટે પાવર કટ (Power Cut) કરી દેવામાં આવ્યો હતો. મોડી રાત્રે અંધારપટ છવાઈ જવા છતાં પવનની તીવ્રતા ચાલુ રહી હતી.

ઝરમર વરસાદથી ગરમી અને બફારામાંથી મોટી રાહત
તીવ્ર પવન અને ધૂળની ડમરીઓ બાદ રાપરમાં ઝરમર વરસાદી ઝાપટાં (Rain Showers) શરૂ થયા હતા. જો કે આ વાવાઝોડું અને વરસાદી માહોલ ટૂંકા સમય માટે રહ્યો હતો, પરંતુ તેના કારણે વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ હતી. રાપર અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં લાંબા સમયથી ચાલી રહેલી કાળઝાળ ગરમી અને અસહ્ય બફારાથી તોબા પોકારી ઉઠેલા સ્થાનિક લોકોને આ આકાશી આફત વચ્ચે પણ તાપમાનમાં ઘટાડો થતાં ગરમીમાંથી મોટી રાહત મળી હતી.