Monsoon 2026: હવામાન વિભાગની તાજી આગાહી મુજબ ગુજરાત (Gujarat) રાજ્યમાં હાલ એક વેધર ટ્રફ (Trough) પસાર થઈ રહ્યો છે, જેના કારણે આગામી દિવસોમાં વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. જો કે, રાજ્યમાં ચોમાસા (Monsoon) ના સત્તાવાર આગમન માટે હજુ થોડી રાહ જોવી પડશે. હાલમાં ચોમાસુ ધીરે-ધીરે આગળ વધી રહ્યું છે અને આગામી 48 કલાકમાં તે મહારાષ્ટ્ર (Maharashtra) માં આગળ વધે તેવી સંભાવના છે, ત્યારબાદ જ તે ગુજરાત તરફ ગતિ કરશે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના અને યલો એલર્ટ
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત (South Gujarat) ના વિસ્તારો માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે પ્રશાસન દ્વારા દક્ષિણ ગુજરાતમાં ‘યલો એલર્ટ’ (Yellow Alert) જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને નર્મદા (Narmada), ભરૂચ (Bharuch), સુરત (Surat), ડાંગ (Dang), તાપી (Tapi) અને નવસારી (Navsari) ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દમણ (Daman) અને દાદરા નગર હવેલી (Dadra and Nagar Haveli) માં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરે તેવી સંભાવના છે.
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત આ જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી
જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી છે, ત્યારે સૌરાષ્ટ્ર (Saurashtra) અને કચ્છ (Kutch) વિસ્તારમાં વાતાવરણ સામાન્ય રહેશે અને ત્યાં હળવો કે સામાન્ય વરસાદ પડી શકે છે. આ સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓ જેવા કે અમદાવાદ (Ahmedabad), આણંદ (Anand), ખેડા (Kheda), દાહોદ (Dahod), મહીસાગર (Mahisagar), વડોદરા (Vadodara) અને છોટાઉદેપુર (Chhota Udepur) માં પણ વરસાદી ઝાપટાંની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ (Rajkot), જામનગર (Jamnagar), પોરબંદર (Porbandar), દ્વારકા (Dwarka), જૂનાગઢ (Junagadh), અમરેલી (Amreli), ભાવનગર (Bhavnagar), બોટાદ (Botad), ગીર સોમનાથ (Gir Somnath) અને મોરબી (Morbi) માં પણ પવન સાથે વરસાદ પડી શકે છે.
પવનની ગતિ અને તાપમાનની સ્થિતિ
વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં પવનની દિશા અને ગતિમાં પણ ફેરફાર નોંધાશે. પવનની ઝડપ 15 થી 20 કિલોમીટર પ્રતિકલાક રહેવાની સંભાવના છે, જે ગાજવીજ સાથેના વરસાદ વખતે વધી શકે છે. વરસાદી માહોલ છતાં ભેજ અને ગરમીના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 40 થી 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ શકે છે, જેથી લોકોને અકળાવનારી ગરમીનો સામનો કરવો પડી શકે છે.













