Gujarat24

ગુજરાતમાં 1 જૂનથી વસતી ગણતરી શરૂ: આગામી 17 મેથી સ્વયં માહિતી નોંધાવવાની સુવિધા, જાણો તમને કયા 33 સવાલ પૂછશે

Share On :

Gujarat Census 2026: ગુજરાત રાજ્યમાં વસતી ગણતરીને લઈ મહત્વપૂર્ણ આયોજન હાથ ધરાયું છે. રાજ્ય સરકારના ગેઝેટ મુજબ 1 જૂનથી 30 જૂન 2026 દરમિયાન હાઉસ લિસ્ટિંગ ઓપરેશન અમલમાં મૂકવામાં આવશે. આ તબક્કામાં દરેક મકાન અને રહેણાંક એકમની વિગતો એકત્રિત કરવામાં આવશે અને દરેક પરિવાર પાસેથી અંદાજે 33 પ્રશ્નોના જવાબ લેવામાં આવશે. હાઉસ ટુ હાઉસ સર્વે દ્વારા કર્મચારીઓ સીધા લોકોના ઘરો સુધી પહોંચી માહિતી એકત્રિત કરશે.

આ પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં નાગરિકોને પોતાની માહિતી જાતે જ નોંધાવવાની તક પણ આપવામાં આવી છે. 17 મે થી 31 મે દરમિયાન “સેલ્ફ એન્યુમેરેશન” વ્યવસ્થા અમલમાં રહેશે, જેમાં લોકો પોતાની વિગતો સ્વયં ઓનલાઈન નોંધાવી શકશે. આ પહેલથી પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ, 10 મે થી 15 મે દરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ આપવાની યોજના છે, જેમાં આધુનિક ટેક્નોલોજી અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા ડેટા સંગ્રહ કરવાની રીતો શીખવવામાં આવશે.

વસતી ગણતરીને વધુ અસરકારક બનાવવા માટે ડિજિટલ ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ થશે. દરેક મકાનને ડિજિટલ નકશા પર ‘ડિજી ડોટ’ તરીકે દર્શાવવામાં આવશે, જેથી ભવિષ્યમાં શહેરી આયોજન અને આપત્તિ વ્યવસ્થાપનમાં મદદ મળશે. આ ઉપરાંત, આંકડાઓના આધારે સ્થળાંતર અને શહેરીકરણ અંગે ચોક્કસ માહિતી મળશે. સમગ્ર પ્રક્રિયા માટે રાજ્ય અને જિલ્લા સ્તરે બજેટ ફાળવણી પણ કરવામાં આવી છે, જે IT સાધનો અને અન્ય કામગીરી માટે ઉપયોગી સાબિત થશે.

ઘરબેઠાં સ્વ-જનગણના આ રીતે કરો

પોર્ટલ પર જાવ

  • બ્રાઉઝરમાં http://se.census.gov.in ખોલો (મોબાઈલ અને કમ્પ્યુટર બંનેમાં કામ કરે છે, ડેસ્કટોપ ઉત્તમ રહેશે)

રાજ્ય પસંદ કરો

  • ડ્રોપડાઉનમાંથી પોતાના રાજ્યની પસંદગી કરો. કેપ્ચા ભરો (ઓડિયો વિકલ્પ છે) અને ‘Verify & Proceed’ ક્લિક કરો.

રજિસ્ટ્રેશન

  • પરિવારના મુખ્ય વ્યક્તિનું નામ નોંધાવો (આ નામ પાછળથી બદલી શકાશે નહીં)
  • એક મોબાઈલ નંબર આપો (એક ઘર માટે ફક્ત એક નંબરનો ઉપયોગ થઈ શકે છે)

લૉગિન

  • ઇમેઇલ ID દાખલ કરો

OTP વેરિફિકેશન

  • મોબાઈલ પર આવેલો 6 અંકનો OTP નાખો
  • ભાષા પસંદ કરો (16 ભાષામાં ઉપલબ્ધ, પછીથી બદલી શકાશે નહીં)

માહિતી ભરો

સેક્શન A

  • મકાનની વિગત (લોકેશન મેપ પર માર્ક કરો, મકાનનો પ્રકાર, દિવાલ, છત, ફ્લોર વગેરે માહિતી)

સેક્શન B

  • પરિવાર સંબંધિત માહિતી (ઘરમાં રહેતા લોકોની સંખ્યા, ઉમર અને મેરિટલ સ્ટેટસ વગેરે)

સેક્શન C

  • યુટિલિટી/સુવિધા (પાણી, વીજળી, શૌચાલય, સ્નાન, રસોઈ, ઈંધણ વગેરે)
  • સંપત્તિ સંબંધિત પ્રશ્નો (TV, ફ્રિજ, કાર, મોબાઈલ, કમ્પ્યુટર વગેરે)

Preview અને Final Submit

  • તમામ જાણકારી ચેક કરો, એકવાર સબમિટ કર્યા બાદ ફેરફાર શક્ય નહીં
  • સફળ સબમિટ થતા SE ID જનરેટ થશે (સ્ક્રીન પર દેખાશે અને ઈમેઇલ પર પણ આવી શકે છે)

SE ID સેવ કરો

  • તેની પ્રિન્ટ અથવા સ્ક્રીનશોટ લઈને રાખો, કર્મચારી આવે ત્યારે બતાવો

નોંધ: સ્વ-ગણના પરિવારનો મુખ્ય વ્યક્તિ કે કોઈપણ જવાબદાર સભ્ય કરી શકે છે. દસ્તાવેજ અપલોડ કરવાની જરૂર નથી.

આ 33 સવાલ તમને પૂછવામાં આવશે

  • મકાન નંબર (શહેરે અથવા સ્થાનિક સત્તામંડળ અથવા વસતી ગણતરી નંબર)
  • વસતી ગણતરી ઘર નંબર
  • ઘરના ફ્લોરમાં વપરાતી મુખ્ય સામગ્રી
  • ઘરની દિવાલમાં વપરાતી મુખ્ય સામગ્રી
  • ઘરની છતમાં વપરાતી મુખ્ય સામગ્રી
  • ઘરોનો ઉપયોગ
  • ઘરની સ્થિતિ
  • પરિવાર નંબર
  • ઘરમાં સામાન્ય રીતે રહેતા વ્યક્તિઓની કુલ સંખ્યા
  • ઘરના વડાનું નામ
  • ઘરના વડાની જાતિ
  • ઘરના વડા અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ/અન્યનો છે કે કેમ
  • ઘરની માલિકીનો દરજ્જો
  • ઘરમાં રહેવા માટે ઉપલબ્ધ રૂમની સંખ્યા
  • ઘરમાં રહેતા પરિણીત યુગલોની સંખ્યા
  • પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત
  • પીવાના પાણીના સ્ત્રોતની ઉપલબ્ધતા
  • વીજળીનો મુખ્ય સ્ત્રોત
  • શૌચાલયની ઉપલબ્ધતા
  • શૌચાલયનો પ્રકાર
  • ગટર
  • બાથરૂમની ઉપલબ્ધતા
  • રસોડાની ઉપલબ્ધતા અને LPG/PNG કનેક્શન
  • રસોડા માટે વપરાતું મુખ્ય ઈંધણ
  • રેડિયો/ટ્રાન્ઝિસ્ટર
  • ટેલિવિઝન
  • ઇન્ટરનેટ સુવિધા
  • લેપટોપ/કમ્પ્યુટર
  • ટેલિફોન/મોબાઈલ ફોન/સ્માર્ટફોન
  • સાયકલ/સ્કૂટર/મોટરસાયકલ/મોપેડ
  • કાર/જીપ/વાન
  • ઘર દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય અનાજ
  • મોબાઈલ નંબર (માત્ર વસતી ગણતરી સંબંધિત સંદેશાવ્યવહાર માટે)