Gujarat24

માત્ર 10 મહિનામાં તૈયાર થયું અમદાવાદનું નવું નજરાણું: Spectra Museum

Share On :

First Digital Museum India

Ahmedabad : ગુજરાતના મેગા સિટી અમદાવાદમાં મનોરંજન અને જ્ઞાનની આખી પરિભાષા બદલી નાખે તેવું ભારતનું પ્રથમ અનોખું ‘સ્પેક્ટ્રા મ્યુઝિયમ’ (Spectra Museum) શરૂ થઈ ચૂક્યું છે. અમદાવાદ (Ahmedabad) ના સાયન્સ સિટી રોડ (Science City Road) પર અંદાજે 60,000 ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું આ ડિજિટલ મ્યુઝિયમ માત્ર જોવા માટે નથી, પરંતુ તેને જીવંત અનુભવવા માટે ખાસ તૈયાર કરાયું છે. આ આખા પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે આટલું આધુનિક અને મોટું સેન્ટર માત્ર 10 મહિનાના રેકોર્ડ બ્રેક સમયમાં વિકસાવવામાં આવ્યું છે. આ એક એવું સેન્સરી વર્લ્ડ (Sensory World) છે જ્યાં 2 વર્ષના બાળકથી લઈને 92 વર્ષના વડીલો સુધીના તમામ લોકો ટેકનોલોજીના ‘નેક્સ્ટ લેવલ’નો રોમાંચ માણી શકશે.

આઠ અલગ-અલગ થીમ આધારિત રૂમ: પંચેય ઇન્દ્રિયો થઈ જશે સક્રિય
આ મ્યુઝિયમની અસલી મજા તેના આઠ અલગ-અલગ થીમ આધારિત રૂમમાં છુપાયેલી છે, જે મુલાકાતીઓને કલા અને વિજ્ઞાનની એક અદભુત સફર પર લઈ જાય છે:

Cortex રૂમ: મગજની જટિલ શક્તિઓ અને ડિજિટલ ન્યુરોન્સનો ભાસ કરાવે છે.

Cornicle અને Saga રૂમ: મુલાકાતીઓને અદ્ભુત વાર્તાઓ અને વિઝ્યુઅલ ઈફેક્ટ્સની કાલ્પનિક દુનિયામાં ખેંચી જાય છે.

Lore રૂમ: અહીં વાર્તાઓ આધુનિક ટેકનોલોજીના માધ્યમથી જીવંત થતી અનુભવાય છે.

Celestial રૂમ: બ્રહ્માંડ અને તારામંડળનો આભાસ કરાવતો આ રૂમ સ્પેસ સાયન્સના પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે.

Vortex રૂમ: સમય અને ગતિના એક અનોખા વમળમાં ખોવાઈ ગયા હોય તેવો રોમાંચક અનુભવ આપે છે.

Glimmer રૂમ: ઝળહળતી લાઈટ્સ અને ઓપ્ટિકલ ઈલ્યુઝન (Optical Illusion) થી આંખોને આંજી દે છે.

Lum રૂમ: પ્રકાશ અને શેડોના અતુલ્ય સમન્વયથી પ્રવાસીઓના દિલ જીતી લે છે.

‘મેક ઇન ઇન્ડિયા’ અને આંતરરાષ્ટ્રીય ટેકનોલોજીનો સમન્વય
આ આખા મ્યુઝિયમની સૌથી રોમાંચક બાબત એ છે કે અહીંની દિવાલો અને તત્વો (Elements) જીવંત માણસની જેમ વર્તે છે. આ દિવાલો તમારા માત્ર એક સ્પર્શને પણ સમજે છે અને તેના પર તરત જ રિએક્ટ કરે છે. એટલું જ નહીં, આ રૂમ્સમાં તમારી હાજરી માત્રથી દિવાલોના રંગો બદલાવા લાગે છે અને તમારો અવાજ સાંભળતા જ ત્યાં મૂકેલા ડિજિટલ તત્વો સામે પ્રતિક્રિયા આપે છે. આ પ્રોજેક્ટ માટે ઘણી ટેકનોલોજી ‘મેક ઇન ઇન્ડિયા’ (Make in India) હેઠળ દેશમાં જ બનાવાઇ છે, જ્યારે કેટલીક હાઇ-ટેક સિસ્ટમ્સ વિદેશથી ઇમ્પોર્ટ કરવામાં આવી છે. આ મ્યુઝિયમ મુલાકાતીઓના મનમાં માત્ર જિજ્ઞાસા જ નહીં જગાડે, પણ જ્યારે તેઓ અહીંથી બહાર નીકળશે ત્યારે અઢડક કલ્પનાઓ અને યાદોનો અણમોલ ખજાનો પોતાની સાથે લઈને જશે. અંતે પ્રવાસીઓ અહીંના હાઇ-ટેક કાફે (Cafe) માં બેસીને કોફી સાથે સ્વાદિષ્ટ નાસ્તાની પણ મજા માણી શકે છે.