Gujarat24

ઓનલાઇન ફાર્મસી સામે કેમિસ્ટોનું ‘ભારત બંધ’ નું એલાન, જો દવા ખરીદવી હોય તો આજે જ લાવી લેજો!

Share On :

E-Pharmacy Protest

Bharat Bandh 20 May : દેશમાં ઓનલાઇન અને ગેરકાયદેસર ઈ-ફાર્મસી (E-Pharmacy) ના વધી રહેલા વ્યાપ સામે ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ (All India Organisation of Chemists and Druggists – AIOCD) દ્વારા આવતીકાલે, ૨૦ મેના રોજ ‘ભારત બંધ’ (Bharat Bandh) નું એલાન આપવામાં આવ્યું છે. કેન્દ્રીય સંગઠનના આ આહવાનને ગુજરાત સ્ટેટ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ એસોસિએશન (Gujarat State Chemists and Druggists Association – GSCDA) દ્વારા સંપૂર્ણ સમર્થન જાહેર કરવામાં આવ્યું છે, જેના પગલે આવતીકાલે રાજ્યભરમાં દવાની દુકાનો એક દિવસ માટે બંધ રહેશે.

સંગઠનના હોદ્દેદારોના જણાવ્યા અનુસાર, આ રાષ્ટ્રવ્યાપી આંદોલનમાં ગુજરાતની ૩૫ હજારથી વધુ અને દેશભરની અંદાજે ૧૨.૫૦ લાખ દવાની દુકાનો સજ્જડ બંધ પાળીને પોતાનો વિરોધ નોંધાવશે. જો કે, હડતાળ દરમિયાન સામાન્ય જનતાને હાલાકી ન ભોગવવી પડે અને દર્દીઓની સારવારમાં કોઈ અડચણ ન આવે તે માટે માનવતાના ધોરણે ઇમરજન્સી સેવાઓ (Emergency Services) માટે કેટલીક નિર્ધારિત મેડિકલ સ્ટોર્સ ચાલુ રાખવામાં આવશે. હોસ્પિટલ સંલગ્ન દવાના કાઉન્ટર્સ ચાલુ રહે તેવી શક્યતા છે.

વિવાદાસ્પદ નોટિફિકેશન પાછા ખેંચવા અને ડુપ્લીકેટ દવાઓ સામે કડક પગલાંની માંગ
કેમિસ્ટ એસોસિએશનના વિરોધનું મુખ્ય કારણ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા કેટલાક કાયદાકીય ફેરફારો છે. વેપારીઓ મુખ્યત્વે GSR 817(E) અને GSR 220(E) નોટિફિકેશન (Notification) નો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે અને સરકાર પાસે આ બંને નોટિફિકેશન તાત્કાલિક અસરથી પાછા ખેંચવાની માંગ કરી રહ્યા છે. કેમિસ્ટોનું કહેવું છે કે ઓનલાઇન દવાઓના વેચાણથી માત્ર પરંપરાગત વેપારીઓના રોજગારને જ ફટકો નથી પડતો, પરંતુ તેનાથી લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડાં થઈ રહ્યા છે.

આ ઉપરાંત, એસોસિએશન દ્વારા બજારમાં ગેરકાયદેસર રીતે ઘૂસી જતી ડુપ્લીકેટ દવાઓ (Duplicate Medicines) ના મુદ્દે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. નકલી અને સબ-સ્ટાન્ડર્ડ દવાઓ બનાવનાર તેમજ તેનું વેચાણ કરનાર અસામાજિક તત્વો સામે સરકાર કડક કાયદાકીય કાર્યવાહી (Strict Action) કરે તેવી માંગ પણ આ હડતાળના માધ્યમથી બુલંદ કરવામાં આવી છે. જો સરકાર દ્વારા આ બાબતે યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનવાના સંકેતો મળી રહ્યા છે.