Gujarat24

મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: ગુજરાતના અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ, વૃક્ષો અને શેડ ધરાશાયી

Share On :

Gujarat Rain Update

Gujarat Rain Update: ગુજરાતમાં હવામાન વિભાગ (Meteorological Department) ની આગાહી વચ્ચે મોડી રાત્રે અને વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. સુરત, વડોદરા, વિરમગામ અને બનાસકાંઠા સહિતના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા અને તીવ્ર પવન સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને ભારે બફારાથી ત્રસ્ત નાગરિકોને આ વરસાદી માહોલ અને ઠંડા પવનના કારણે મોટી રાહત મળી છે અને સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે.

સુરત અને વડોદરામાં તોફાની વરસાદી માહોલ
સુરત (Surat) શહેરમાં મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ તેજ પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ભારે પવન ફૂંકાવાને કારણે શહેરના જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની હતી, જો કે સદનસીબે આમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. બીજી તરફ, વડોદરા (Vadodara) ના ડભોઈ (Dabhoi) અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ દિવસભરના ઉકળાટ બાદ રાત્રે અચાનક વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા. અમદાવાદના વિરમગામ (Viramgam) શહેર તેમજ ગ્રામીણ વિસ્તારોમાં પણ આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને તેજ પવન સાથે વરસાદ શરૂ થયો હતો.

બનાસકાંઠામાં વાવાઝોડાનું તાંડવ: લાખોનું નુકસાન
બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં મધરાતે ત્રાટકેલા ભયાનક વાવાઝોડા અને વરસાદે ભારે તબાહી મચાવી છે. ડીસા (Deesa) માં એક કોલ્ડ સ્ટોરેજ (Cold Storage) નો વિશાળ શેડ ધરાશાયી થઈ ગયો હતો. પવનની ગતિ એટલી તીવ્ર હતી કે શેડના લોખંડના પતરા ઉડીને દૂર ખેતરો સુધી જઈને પડ્યા હતા, જેના કારણે માલિકને અંદાજે ₹25 થી ₹30 લાખનું પ્રાથમિક નુકસાન થયાનું અનુમાન છે. વાવ (Vav) અને થરાદ (Tharad) જિલ્લામાં પણ વાવાઝોડાના કારણે અનેક ઘરોના પતરા ઉડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

હાઈવે બ્લોક અને વીજળી પડવાની ઘટનાઓ
દિયોદર (Deodar) અને જેતડા (Jetda) હાઈવે પર મોડી રાત્રે ભારે પવનથી અનેક વૃક્ષો રોડ પર ધરાશાયી થઈ ગયા હતા, જેના કારણે વાહનચાલકો ભારે પરેશાન થયા હતા અને તંત્ર દ્વારા તાત્કાલિક વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. દિયોદરના લીલાધર (Liladhar) ગામે ખેડૂત ભારમલભાઈ સોલંકી (Bharmalbhai Solanki) ના ખેતરમાં મોડી રાત્રે વીજળી પડતા વાવાઝોડાની વચ્ચે ઘાસના પૂળાના જથ્થામાં આગ ફાટી નીકળી હતી. આશરે 2500 થી 3000 પૂળા બળીને ખાખ થઈ જતા ખેડૂતને લાખોનું નુકસાન થયું છે.

થરા (Thara) અને ભાભર (Bhabhar) ની ફાયર ફાઇટર ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઉપરાંત, ગરબાડા (Garbada) અને દાહોદ (Dahod) નેશનલ હાઈવે પર સાહડા (Sahada) થી દેવધા (Devdha) ગામ સુધી અનેક ઝાડ ધરાશાયી થતા રસ્તો બંધ થયો હતો, જેને ગરબાડા પોલીસ (Garbada Police) ની ટીમે રાત્રિના સમયે જાતે જ કુહાડી વતી ઝાડ કાપીને રસ્તો સાફ કર્યો હતો. રાત્રિનો સમય હોવાથી સદનસીબે મોટી જાનહાનિ ટળી છે.