Gujarat24

Ahmedabad: જીવરાજ બ્રિજ નીચે હત્યાકાંડનો ભેદ ઉકેલાયો, રાજસ્થાન ભાગતા પહેલાં ત્રણ આરોપીઓ ઝડપાયા

Share On :

Ahmedabad News: અમદાવાદ શહેરમાં જીવરાજ બ્રિજ નીચે થયેલી હત્યાના કેસમાં પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. દીકરાના પ્રેમલગ્નને લઈ ઉભેલા કૌટુંબિક વિવાદ અને જૂની અદાવતના કારણે 52 વર્ષીય નટુભાઈ પરમારની નિર્દયી હત્યા કરનાર ચાર પૈકી ત્રણ આરોપીઓને બનાસકાંઠાના દાંતીવાડા વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસના કહેવા મુજબ આરોપીઓ ઘટના બાદ ઓળખ છુપાવીને રાજસ્થાન ભાગી જવાની તૈયારીમાં હતા, પરંતુ ટેકનિકલ સર્વેલન્સ અને ડિજિટલ ફૂટપ્રિન્ટના આધારે તેમને ટ્રેસ કરીને પકડી પાડવામાં આવ્યા.

ડી.સી.પી. ઝોન-7 શિવમ વર્માના જણાવ્યા મુજબ, 2 મેના રોજ આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાપા સીતારામ મોબાઇલ સ્ટોર પાસે ચાર શખ્સોએ નટુભાઈ પરમાર પર લોખંડની પાઇપ અને લાકડીઓથી હુમલો કરીને તેમની હત્યા કરી હતી. બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને આરોપીઓના હલનચલન પર નજર રાખી. બાદમાં બનાસકાંઠા લોકલ પોલીસની મદદથી મુખ્ય આરોપી હસમુખ વાઘેલા સાથે કાંતિભાઈ ઉર્ફે લેલીવાળા અને ભાવેશ પરમારને ઝડપી લેવામાં આવ્યા, જ્યારે ચોથો આરોપી કેતન હજુ ફરાર છે.

તપાસમાં બહાર આવ્યું છે કે આ હત્યાનો મૂળ કારણ પરિવારજનો વચ્ચેનો મતભેદ છે. મૃતકના દીકરા કૌશિકે પાંચ વર્ષ પહેલા માલવિકા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. છેલ્લા કેટલાક સમયથી દાંપત્ય જીવનમાં તણાવ ચાલી રહ્યો હતો અને થોડા સમય પહેલા મિસકેરેજની ઘટના પણ બની હતી. આ મુદ્દે બંને પરિવાર વચ્ચે તણાવ વધ્યો હતો. મુખ્ય આરોપી હસમુખે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને પોતાના સાથીદારો સાથે મળીને નટુભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો.

ઘટના બાદ આરોપીઓ બાઈક અને કેબ મારફતે રાણીપ પહોંચ્યા હતા અને ત્યાંથી બનાસકાંઠા ભાગી ગયા હતા. પોલીસથી બચવા માટે તેઓ નાના ગેસ્ટ હાઉસમાં છુપાયા હતા. હાલ ફરાર આરોપીની શોધખોળ ચાલુ છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.