Ahmedabad News: અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં ગત 6 મેની મધરાતે બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં એક વૃદ્ધ શ્રમિકનું મોત નિપજતાં ચકચાર મચી ગઈ છે. રાત્રે હાટકેશ્વરથી વંડર પોઈન્ટ તરફ જતા માર્ગ પર એક કારચાલકે નશાની હાલતમાં બેફામ ઝડપે કાર દોડાવી બાઈકને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈકસવાર વૃદ્ધને આશરે 20 ફૂટ સુધી રોડ પર ઢસડાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.મહત્વનું છે કે, નશામાં ધૂત કારચાલક સાથે એક યુવતી પણ સવાર હતી જેની સામે I ડિવિઝન ટ્રાફિક પોલીસના જવાને અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મૃતક બાબુભાઈ વાઘેલા રામોલ વિસ્તારમાં રહેતા હતા અને બાંધકામ સાઇટ પર સેન્ટિંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ઘટનાના સમયે તેઓ તેમના સાથીદાર લાલાભાઈ પગી સાથે બાઈક પર પસાર થઈ રહ્યા હતા. ત્યારે જીવન જ્યોતનગર ચાલીના ગેટ નજીક પાછળથી તેજ ગતિએ આવેલી કાર અચાનક બાઈક સાથે અથડાઈ હતી. ટક્કર વાગતાં બંને શ્રમિકો રોડ પર ફંગોળાયા હતા. બાબુભાઈને માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું પણ સામે આવ્યું છે, જેમાં કારચાલકની બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. તપાસ દરમિયાન પોલીસે સરસપુરમાં રહેતા 25 વર્ષીય રાહુલ પરસોત્તમભાઈ સુમેરાની ધરપકડ કરી હતી. પોલીસ મુજબ અકસ્માત સમયે આરોપી નશાની હાલતમાં હતો.
મૃતકના પુત્રની ફરિયાદના આધારે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. બીજી તરફ કારમાં તેની સાથે હાજર 20 વર્ષીય યુવતી સામે પણ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પૂછપરછ દરમિયાન યુવતી પણ દારૂના નશામાં હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તેની પાસે દારૂ પીવાની પરમિટ માંગતા કોઈ માન્ય પરમિટ ન હોવાનું ખુલ્યું હતું, જેના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


