Customs and GST Clerk: અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી વિશ્વાસઘાત અને છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બિહાર (Bihar) ખાતે સીમા સુરક્ષા બળ (Border Security Force – BSF) માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા એક પતિએ, ગુજરાતમાં કસ્ટમ એન્ડ જીએસટી વિભાગ (Customs and GST Department) માં ક્લાર્ક તરીકે નોકરી કરતી પોતાની જ પત્નીને પ્રેમલગ્ન બાદ અંધારામાં રાખી લાખો રૂપિયા પડાવી લીધા હતા. ત્રણ વર્ષ સુધી દેવું થઈ ગયું હોવાનું કહી પત્ની અને તેના પિયરપક્ષ પાસેથી લાખો રૂપિયા પડાવ્યા બાદ પતિએ તેને તરછોડી દેતા આખરે આ મામલો ગોમતીપુર પોલીસ સ્ટેશન (Gomtipur Police Station) પહોંચ્યો છે.
દેવાના બહાને પત્નીના નામે રૂ. ૭.૫૫ લાખ પડાવ્યા
મળતી વિગતો અનુસાર, પૂર્વ વિસ્તારમાં રહેતી ૩૧ વર્ષીય યુવતી કસ્ટમ એન્ડ જીએસટી વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. વર્ષ ૨૦૨૩માં તેના લગ્ન બિહારમાં બીએસએફ (BSF) કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા યુવક સાથે પ્રેમલગ્નથી થયા હતા. જો કે, લગ્નના થોડા જ મહિનાઓમાં પતિએ પોતાના અસલી રંગ બતાવવાનું શરૂ કરી દીધું હતું. પતિ દારૂ અને જુગારની લતે ચડી ગયો હોવાથી તેના પર મોટું દેવું થઈ ગયું હતું. તેણે પત્ની સામે બહાનું બનાવ્યું કે બેંકમાં તેનો સિબિલ સ્કોર (CIBIL Score) ખરાબ છે, જેથી કોઈ લોન મળી શકે તેમ નથી. પતિની વાતોમાં આવીને પત્નીએ પોતાના નામે પર્સનલ લોન લીધી અને પિયરના સંબધીઓ પાસેથી પણ હાથઉછીના પૈસા મેળવ્યા હતા. આમ, પતિએ પત્ની પાસેથી કુલ રૂ. ૭.૫૫ લાખ પડાવી લીધા હતા.
મોડી રાત્રિના ફોન કોલે ખોલી પોલ
આ દરમિયાન પતિ જ્યારે કેવળિયા (Kevadia) ખાતે ટ્રેનિંગ પતાવીને ઘરે આવ્યો હતો, ત્યારે મોડી રાત્રે તેના ફોન પર એક કોલ આવ્યો હતો. પત્નીએ પૂછપરછ કરતા પતિએ જણાવ્યું કે કોઈ જયભાઈ (Jaybhai) નામના લેણદારનો ફોન છે. જો કે, પત્નીને શંકા જતાં તેણે તે નંબર પર વળતો ફોન કર્યો હતો. સામે છેડે અમરાઈવાડી (Amraiwadi) ની એક યુવતી બોલી રહી હતી. તેણે પત્નીને ચોંકાવનારો ખુલાસો કર્યો કે, ‘તારા પતિ સાથે મારે લગ્ન પહેલાથી જ પ્રેમસંબંધ છે.’ આ સાંભળતા જ પત્નીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે પત્ની પાસેથી દેવાના નામે લીધેલા લાખો રૂપિયા પતિ પોતાની પ્રેમિકા પાછળ જ ઉડાવી રહ્યો હતો.
‘હવે તારી જરૂર નથી’ કહી પત્નીને આપી દીધી ધમકી
સમગ્ર ભાંડો ફૂટી જતાં જ્યારે પત્નીએ આ બાબતે પતિને પૂછ્યું, ત્યારે પતિએ કોઈ પણ પસ્તાવો કરવાને બદલે નફ્ફટાઈપૂર્વક જવાબ આપ્યો હતો કે, “હવે મને તારી કોઈ જરૂર નથી, તારાથી મેં બહુ કમાઈ લીધું છે.” પતિ જ્યારે પણ રજાઓમાં ઘરે આવતો ત્યારે પ્રેમિકાને મળવા જવાનું કહીને નીકળી જતો હતો અને પત્ની સાથે બીભત્સ ગાળાગાળી કરી, મારઝૂડ કરીને ત્રાસ ગુજારતો હતો. પતિના આ અસહ્ય ત્રાસ અને આર્થિક તેમજ માનસિક છેતરપિંડીથી કંટાળીને આખરે પીડિત પત્નીએ ગોમતીપુર પોલીસ સ્ટેશન (Gomtipur Police Station) માં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.









