Ahmedabad Congress : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. આ દરમિયાન અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક મોટો અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. પક્ષના સત્તાવાર આદેશ અને શિસ્તનો ભંગ કરનારા 14 જેટલા કાર્યકર્તાઓ અને સ્થાનિક નેતાઓને તાત્કાલિક અસરથી પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસ પક્ષ દ્વારા લેવાયેલા આ આકરા પગલાના કારણે સ્થાનિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
મેન્ડેટ આપ્યા બાદ ઉમેદવારી પત્ર પરત ખેંચતા લેવાયું પગલું
મળતી માહિતી મુજબ, આગામી સ્થાનિક ચૂંટણીઓ માટે કોંગ્રેસ પક્ષ દ્વારા આ કાર્યકર્તાઓને સત્તાવાર ઉમેદવાર તરીકે પસંદ કરીને મેન્ડેટ આપવામાં આવ્યા હતા. જો કે, ફોર્મ ભર્યા બાદ આ ઉમેદવારોએ પક્ષને સલવાડમાં મૂકીને પોતાના ઉમેદવારી પત્રો પરત ખેંચી લીધા હતા. પક્ષના વરિષ્ઠ નેતાઓની સંમતિ વિના અને પક્ષના હિત વિરુદ્ધ જઈને છેલ્લી ઘડીએ ફોર્મ પાછા ખેંચવાના આ કૃત્યને કોંગ્રેસ હાઈકમાન્ડે ગંભીર શિસ્તભંગ ગણાવ્યો છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિના કારણે પક્ષની છબી ખરડાઈ હોવાનું જણાવીને જિલ્લા પ્રમુખ દ્વારા આ તમામ 14 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
જિલ્લાની વિવિધ બેઠકો અને ધોળકા નગરપાલિકાના ઉમેદવારો સામે ગાજ પડી
આ આકરા પગલામાં અમદાવાદ જિલ્લાની જુદી-જુદી ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોનો સમાવેશ થાય છે. પક્ષ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ કાશિંદ્ર, સિંગરવા, કાયલા, પીપળી , કરથલ અને બદરખા બેઠક પરથી ફોર્મ પરત ખેંચનારા ઉમેદવારો સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ધોળકા નગરપાલિકામાં પણ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે, જ્યાં પક્ષના સત્તાવાર 4 ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લેતા તેઓને પણ તાત્કાલિક અસરથી પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. ચૂંટણી ટાણે જ આ પ્રકારની આંતરિક ખેંચતાણ અને કડક કાર્યવાહી આગામી પરિણામો પર કેવી અસર કરશે તે જોવું રહ્યું.














