RCB vs GT Final: આઈપીએલ 2026 નો ગ્રાન્ડ ફિનાલે 31 મે, રવિવારના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (Royal Challengers Bengaluru [RCB]) અને ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans [GT]) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આખા સીઝનમાં શાનદાર પ્રદર્શન કરનારી બંને ટીમો હવે ટ્રોફી જીતવાથી માત્ર એક કદમ દૂર છે. આરસીબીએ ક્વોલિફાયર-1 માં ગુજરાતને હરાવીને સીધા ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, જેમાં કેપ્ટન રજત પાટીદારે 33 બોલમાં 93 રનની તોફાની ઇનિંગ રમી હતી. બીજી તરફ, ગુજરાતે ક્વોલિફાયર-2 માં રાજસ્થાન રોયલ્સને હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી છે, જેમાં શુભમન ગિલે 15ચોગ્ગા અને 3 છગ્ગા સાથે શાનદાર સદી ફટકારી હતી.
બંને ટીમોનો ફાઇનલ ટ્રેક રેકોર્ડ
આરસીબીએ આઈપીએલ ઇતિહાસમાં 5મી વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે, જ્યારે ગુજરાત ટાઇટન્સ 3જી વખત ફાઇનલ રમશે. રજત પાટીદારની કપ્તાની હેઠળ આરસીબીએ 2025માં પોતાની પ્રથમ ટ્રોફી જીતી હતી. જ્યારે ગુજરાતે 2022માં ડેબ્યૂ સીઝનમાં જ ખિતાબ જીત્યો હતો. જોકે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતનો રેકોર્ડ ઉત્કૃષ્ટ રહ્યો છે. તેમણે હોમ ગ્રાઉન્ડ પર 7 માંથી 5મેચ જીતી છે, જેથી આરસીબી માટે આ પડકાર આસાન નહીં હોય.
કોહલી વિરુદ્ધ ગિલ: સ્ટાર ખેલાડીઓનું પ્રદર્શન
ચાહકોની નજર ‘કિંગ’ વિરાટ કોહલી પર રહેશે. કોહલીએ આ સીઝનની 15મેચમાં 164.38 ના સ્ટ્રાઈક રેટથી 600 રન બનાવ્યા છે, જેમાં એક સદી શામેલ છે. બોલિંગમાં ભુવનેશ્વર કુમારે 15મેચમાં 26વિકેટ ઝડપી છે. સામે પક્ષે, ગુજરાતના ઓપનર્સ ફોર્મમાં છે. કેપ્ટન શુભમન ગિલે 15ઇનિંગ્સમાં 722 રન અને સાઈ સુદર્શને 16મેચમાં 710 રન બનાવ્યા છે. બોલિંગમાં કગિસો રબાડા 28 વિકેટ સાથે પર્પલ કેપની રેસમાં આગળ છે. આ સીઝનમાં રમાયેલી બંને લીગ મેચોમાં આરસીબીએ ગુજરાતને હરાવ્યું હતું.














