Gujarat24

નવસારીમાં મેઘતાંડવ: 24 કલાકમાં 10 ઇંચ વરસાદથી જળબંબાકાર, પૂર્ણા નદીનું જળસ્તર 15 ફૂટે પહોંચ્યું

Share On :

Purna River Water Level

Navsari Rain: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. નવસારી (Navsari) જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આકાશી આફત જેવા વરસેલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર નવસારી જિલ્લો જળબંબાકાર થઈ ગયો છે. માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે.

24 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો
નવસારી જિલ્લામાં પાછલા 24 કલાકમાં 10 ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો છે. અનરાધાર વરસાદના કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનવ્યવહારને ભારે અસર પહોંચી છે, તેમજ કેટલાક રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં સ્થાનિક રહીશોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

નદીઓની જળસપાટીમાં ભયજનક વધારો
જિલ્લામાં અને ઉપરવાસમાં પડેલા સાર્વત્રિક ભારે વરસાદના કારણે સ્થાનિક નદીઓ અને નાળાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. તમામ મુખ્ય નદીઓની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે નદીકાંઠાના ગામડોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

પૂર્ણા નદીનું જળસ્તર 15 ફૂટ પર પહોંચ્યું
નવસારીની જીવાદોરી સમાન પૂર્ણા નદી (Purna River) ની વાત કરીએ તો, સતત આવકને કારણે પૂર્ણા નદીનું જળસ્તર હાલ 15 ફૂટ પર પહોંચી ગયું છે. ઉલ્લેખનીય છે કે પૂર્ણા નદીની ભયજનક સપાટી 2૩ ફૂટ છે. ભયજનક સપાટી હજુ દૂર હોવા છતાં, ઉપરવાસમાંથી આવી રહેલા પાણીના પ્રવાહને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નદીકાંઠાના વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. આપત્તિ વ્યવસ્થાપન ટીમ (Disaster Management Team) પરિસ્થિતિ પર સતત મોનિટરિંગ કરી રહી છે.