Gujarat24

સુરત-તાપીના સહકારી રાજકારણમાં ગરમાવો: Sumul Dairy ની 9 બેઠકો પર કોણ મારશે બાજી?

Share On :

Sumul Dairy Voting

Surat News: સુરત (Surat) અને તાપી (Tapi) જિલ્લાની જીવાદોરી સમાન સુરત અને તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એટલે કે સુમુલ ડેરી (Sumul Dairy) ની પ્રતિષ્ઠિત ચૂંટણી આવતીકાલે યોજાવા જઈ રહી છે. આ દૂધ સંઘની સત્તા મેળવવા માટે સહકારી ક્ષેત્રના અગ્રણીઓ વચ્ચે ભારે ઉત્સાહ અને ગરમાવો જોવા મળી રહ્યો છે. દૂધ ઉત્પાદકો અને પશુપાલકો સાથે સીધા જોડાયેલા આ સંઘની ચૂંટણી પર સમગ્ર દક્ષિણ ગુજરાતની નજર ટકેલી છે.

7 બેઠકો બિનહરીફ, 9 બેઠકો પર ખરાખરીનો સામનો
સુમુલ ડેરી (Sumul Dairy) ના નિયામક મંડળની કુલ 16 બેઠકો છે. આ 16 બેઠકોમાંથી 7 બેઠકો પર અગાઉથી જ ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે. જેના કારણે હવે બાકી રહેલી 9 બેઠકો પર જ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ 9 બેઠકો મેળવવા માટે વિવિધ જૂથના ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર અને ખરાખરીનો જંગ જામ્યો છે.

સવારે 9 થી સાંજે 4 સુધી ચાલશે મતદાન
આવતીકાલે યોજાનારી આ ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સુમુલ ડેરી (Sumul Dairy) ની 9 બેઠકો માટે મતદાનનો સમય સવારે 9:00 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 4:00 વાગ્યા સુધી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે પૂરતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

અંતિમ ઘડી સુધી ઉમેદવારોનો ઝંઝાવતી પ્રચાર
ચૂંટણીના પડઘમ શાંત થાય તે પહેલાં, તમામ ઉમેદવારોએ મતદારોને રીઝવવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દીધી હતી. ઉમેદવારોએ અંતિમ ઘડીમાં પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. ગ્રામીણ વિસ્તારો અને મંડળીઓના મતદારોને પોતાના પક્ષમાં કરવા માટે રાત-દિવસ એક કરીને વ્યક્તિગત સંપર્ક અને બેઠકોનો દોર ચલાવવામાં આવ્યો હતો. હવે આવતીકાલે મતદારો કોના ભાગ્યનો ફેંસલો કરે છે તે જોવું રહ્યું.