Ambalal Patel Prediction: ગુજરાતમાં ચોમાસાના પ્રથમ તબક્કા બાદ હવે બીજા રાઉન્ડની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. તેવામાં ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે (Ambalal Patel) રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 13 થી 16 જુલાઈ (July) દરમિયાન ગુજરાતમાં (Gujarat) વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં સારો એવો વરસાદ નોંધાશે, જેનાથી ખેડૂતો અને નાગરિકોને બફારામાંથી મોટી રાહત મળશે.
જુલાઈના મધ્યમાં કયા વિસ્તારોમાં પડશે વરસાદી ઝાપટા?
હવામાન નિષ્ણાંતની આગાહી મુજબ, 13 થી 16 જુલાઈ દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્ર (Saurashtra) ના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે. જેમાં દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka), પોરબંદર (Porbandar) અને જામનગર (Jamnagar) જિલ્લાઓમાં સારા વરસાદી ઝાપટા પડવાની પૂરેપૂરી શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત (North Gujarat) અને પૂર્વ ગુજરાત (East Gujarat) ના વિવિધ ભાગોમાં પણ મેઘરાજા ઝાપટા સ્વરૂપે હાજરી પુરાવશે. જ્યારે મધ્ય ગુજરાત (Central Gujarat) ના વિસ્તારોમાં આ દિવસો દરમિયાન સામાન્ય વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ, દક્ષિણ ગુજરાત (South Gujarat), સૌરાષ્ટ્રના અન્ય ભાગો અને કચ્છ (Kutch) માં હળવો વરસાદ થઈ શકે છે.
17જુલાઈથી પશ્ચિમ બંગાળની સિસ્ટમ સક્રિય થશે
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, જુલાઈ મહિનાના ઉત્તરાર્ધમાં વરસાદનું જોર વધશે. 17 થી 20 જુલાઈ દરમિયાન પશ્ચિમ બંગાળ (West Bengal) નું વહન એટલે કે ત્યાં સર્જાનારી લો-પ્રેશર સિસ્ટમ વાયા મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધશે. આ સિસ્ટમના કારણે ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર જોર પકડશે અને રાજ્યના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ લાવશે. ત્યારબાદ, 27 થી 30 જુલાઈ દરમિયાન ફરી એકવાર ગુજરાતમાં ધમાકેદાર અને ખૂબ જ સારો વરસાદ થવાના યોગ બની રહ્યા છે, જે જળાશયોમાં નવા નીર લાવશે.
ઓગસ્ટ મહિનામાં પણ અણધાર્યો અને ભારે વરસાદ
ચોમાસાની આ સિઝન માત્ર જુલાઈ પૂરતી સીમિત નહીં રહે, પરંતુ ઓગસ્ટ (August) મહિનામાં પણ મેઘરાજા આક્રમક મૂડમાં જોવા મળશે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 1 થી 8 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં અણધાર્યો અને ભારે વરસાદ પડી શકે છે. આ આકસ્મિક વરસાદને કારણે કેટલીક જગ્યાએ પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. એકંદરે સમગ્ર ઓગસ્ટ માસ દરમિયાન ગુજરાતમાં સારો અને વ્યાપક વરસાદ થવાની પ્રબળ શક્યતા જોવા મળી રહી છે. ડેમો અને નદીઓમાં પાણીની આવક વધતા આગામી વર્ષ માટે પાણીની ચિંતા દૂર થશે.














