Gujarat24

અમદાવાદમાં નકલી દસ્તાવેજોના આધારે પાસપોર્ટ મેળવવાનું મોટું કૌભાંડ ઝડપાયું: SOG ક્રાઈમે કરી ધરપકડ

Share On :

Fake PAN Card

Ahmedabad Passport Scam: અમદાવાદ (Ahmedabad) શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ખોટી ઓળખ ઊભી કરી અને નકલી ભારતીય દસ્તાવેજોના આધારે પાસપોર્ટ મેળવવાનો પ્રયાસ કરતા એક શખ્સને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG Crime) પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૂળ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ફૈઝાબાદ (Faizabad) નો વતની યોગેન્દ્રકુમાર રામકુમાર મૌર્યા (Yogendrakumar Ramkumar Maurya) નામનો આ શખ્સ વર્ષોથી અમદાવાદમાં ‘ખાન અબ્દુલ રહેમાન અબ્દુલ કરીમ ખાન’ (Khan Abdul Rehman Abdul Karim Khan) નામ ધારણ કરીને ગેરકાયદેસર રીતે રહેતો હતો. આ સમગ્ર કૌભાંડની શરૂઆત જમાલપુર (Jamalpur) બ્રિજ નીચેથી માત્ર 400 રૂપિયામાં ખરીદેલા એક નકલી પાન કાર્ડ (PAN Card) થી થઈ હતી.

નકલી આધાર કાર્ડ અને રેશન કાર્ડ પણ બનાવ્યા
આરોપી યોગેન્દ્રકુમારે માત્ર પાન કાર્ડ જ નહીં, પરંતુ તેના આધારે અન્ય કિંમતી ભારતીય દસ્તાવેજો જેવા કે નકલી આધાર કાર્ડ (Aadhaar Card Redacted), ચૂંટણી કાર્ડ (Election Card) અને રેશન કાર્ડ (Ration Card) પણ મેળવી લીધા હતા. આ નકલી દસ્તાવેજોના જોરે તે અમદાવાદના દાણીલીમડા (Danilimda) વિસ્તારમાં પોતાની અસલી ઓળખ છુપાવીને આરામથી રહેતો હતો.

સાઉદી અરેબિયા જવા માટે પાસપોર્ટની અરજી કરી અને ભાંડો ફૂટ્યો
આરોપીનો મુખ્ય હેતુ વિદેશ જઈને પૈસા કમાવવાનો હતો. સાઉદી અરેબિયા (Saudi Arabia) જવાના ઈરાદા સાથે તેણે અમદાવાદના ગુલબાઈ ટેકરા (Gulbai Tekra) સ્થિત પ્રાદેશિક પાસપોર્ટ કચેરી (Regional Passport Office) ખાતે નવા પાસપોર્ટ માટે અરજી કરી હતી. જોકે, પાસપોર્ટ ઓફિસના અધિકારીઓની ઝીણવટભરી ચકાસણી દરમિયાન કૌભાંડનો પર્દાફાશ થયો હતો. સિસ્ટમમાં ચેકિંગ દરમિયાન સામે આવ્યું કે આરોપીના અસલી નામે (યોગેન્દ્રકુમાર મૌર્યા) લખનૌ (Lucknow) થી વર્ષ ૨0૧0 થી ૨0૨0 દરમિયાન ઓલરેડી એક જૂનો પાસપોર્ટ જારી થયેલો હતો.

ધર્મ પરિવર્તન વિના નકલી નિકાહનામું બનાવ્યું
તપાસ દરમિયાન એવો પણ ખુલાસો થયો છે કે આરોપીએ વર્ષ ૨0૧૧માં પ્રેમલગ્ન કર્યા હતા. કાયદેસરની ધર્મ પરિવર્તનની કોઈ પણ પ્રક્રિયા કર્યા વિના જ તેણે પોતાની ઓળખ બદલવા માટે એક નકલી નિકાહનામું (Nikahnamah) પણ તૈયાર કરી લીધું હતું. હાલમાં SOG ક્રાઈમ પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે આ કૌભાંડમાં અન્ય કોઈ સ્થાનિક એજન્ટો સામેલ છે કે નહીં.