Gujarat Monsoon 2026: ગુજરાત (Gujarat) રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સમગ્ર રાજ્યના 172 તાલુકાઓમાં વ્યાપક વરસાદ નોંધાયો છે, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે. નદી-નાળાઓ છલકાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું છે.
સૌરાષ્ટ્રમાં જળબંબોળ: માંગરોળ અને સૂત્રાપાડામાં આભ ફાટ્યું
આ વરસાદી આફતમાં સૌથી વધુ માઠી અસર સૌરાષ્ટ્ર (Saurashtra) પંથકમાં જોવા મળી છે. જૂનાગઢ (Junagadh) જિલ્લાના માંગરોળ (Mangrol) તાલુકામાં માત્ર 24 કલાકમાં આભ ફાટ્યું હોય તેમ 13 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. આ સિવાય ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના સૂત્રાપાડા (Sutrapada) માં પણ કુદરતનો પ્રકોપ જોવા મળ્યો હતો, જ્યાં 12 ઇંચ જેટલો ભારે વરસાદ તૂટી પડ્યો છે. વેરાવળ (Veraval) માં 11 ઇંચ અને માળિયા હાટીના (Maliya Hatina) માં 10 ઇંચ વરસાદ વરસતા ચારેયબાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
ઉત્તર ગુજરાત અને અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ
ભારે વરસાદની આ હેલી માત્ર સૌરાષ્ટ્ર પૂરતી સીમિત નથી રહી. માણાવદર (Manavadar) માં 9 ઇંચથી વધુ અને ઉત્તર ગુજરાતના મહેસાણા (Mehsana) જિલ્લાના કડી (Kadi) માં પણ આભમાંથી આફત વરસી હોય તેમ 9 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત જામજોધપુર (Jamjodhpur) માં 7 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે કોડીનાર (Kodinar) અને કુતિયાણા (Kutiyana) માં 5-5 ઇંચ વરસાદ પડતાં સ્થાનિક નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
વરસાદના આંકડા એક નજરે
રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ સાર્વત્રિક વરસાદ રહ્યો છે, જેમાં મુખ્યત્વે:
4 થી 4.5 ઇંચ: રાજ્યના 5 તાલુકાઓમાં ભારે વરસાદ થયો છે.
3 થી 3.5 ઇંચ: અન્ય 10 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદના પગલે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.













