Gujarat24

હવામાન વિભાગની મોટી આગાહી: આગામી ૩ કલાકમાં ગુજરાતના આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ

Share On :

IMD Gujarat Forecast

Gujarat Weather Update:ગુજરાતમાં ચોમાસાની મજબૂત પકડ વચ્ચે હવામાન વિભાગે (Meteorological Department) આગામી ૩ કલાક માટે અત્યંત મહત્વની આગાહી જાહેર કરી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરવા માટે તૈયાર છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ભરૂચ, સુરત અને ભાવનગરમાં ભારે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૩ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને ભરૂચ (Bharuch), સુરત (Surat) અને સૌરાષ્ટ્રના ભાવનગર (Bhavnagar) જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા હોવાથી તંત્રને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવનાને પગલે લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.

સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ મેઘ મહેર
ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે અમરેલી (Amreli), જૂનાગઢ (Junagadh), ગીર સોમનાથ (Gir Somnath), દીવ (Diu) અને પોરબંદર (Porbandar) જિલ્લાઓમાં પણ સારો એવો વરસાદ પડવાની આગાહી કરી છે. આ વિસ્તારોમાં પવન સાથે વરસાદી ઝાપટાં શરૂ થઈ શકે છે.

અમદાવાદ અને રાજકોટ સહિત મધ્ય-ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદ
રાજ્યના મહાનગરોની વાત કરીએ તો, અમદાવાદ (Ahmedabad), વડોદરા (Vadodara) અને રાજકોટ (Rajkot)માં મધ્યમ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત આણંદ (Anand) અને બોટાદ (Botad) જિલ્લામાં પણ આકાશ કાળુંડિબંગ બન્યું છે અને આગામી કલાકોમાં મધ્યમ વરસાદી માહોલ જામશે, જેનાથી ગરમીમાં રાહત મળશે.

નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાત, અન્યત્ર હળવી સંભાવના
દક્ષિણ ગુજરાતના નવસારી (Navsari) અને વલસાડ (Valsad) જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા અને ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. બીજી તરફ ડાંગ (Dang), સાબરકાંઠા (Sabarkantha), અરવલ્લી (Aravalli) અને મહીસાગર (Mahisagar)માં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. જ્યારે દાહોદ (Dahod) અને પંચમહાલ (Panchmahal) જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.