Gujarat24

કોળું ભારતનું રાષ્ટ્રીય શાકભાજી છે કે અફવા? જાણો સોશિયલ મીડિયાના વાયરલ દવાનું અસલી સત્ય!

Share On :

Indian Food Facts

India National Vegetable: જેવી રીતે ભારત (India) નું રાષ્ટ્રીય ફૂલ કમળ (Lotus), રાષ્ટ્રીય ફળ કેરી (Mango) અને રાષ્ટ્રીય વૃક્ષ વડ (Banyan Tree) છે, તેવી જ રીતે શું દેશમાં રાષ્ટ્રીય શાકભાજીની પણ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે? સોશિયલ મીડિયા (Social Media) પર અવારનવાર કોળા (Pumpkin) ને ભારતનું રાષ્ટ્રીય શાકભાજી ગણાવવામાં આવે છે. પરંતુ સત્ય એ છે કે ભારત સરકાર દ્વારા સત્તાવાર રીતે હજુ સુધી કોઈ પણ શાકભાજીને રાષ્ટ્રીય શાકભાજી (National Vegetable) તરીકે ઘોષિત કરવામાં આવ્યું નથી. હવે પ્રશ્ન એ થાય છે કે સોશિયલ મીડિયા પર કોળાનો ઉલ્લેખ રાષ્ટ્રીય શાકભાજી તરીકે કેમ થાય છે? ચાલો જાણીએ તેની પાછળનું અસલી કારણ.

કોળાને રાષ્ટ્રીય શાકભાજી માનવા પાછળના તર્કો
સોશિયલ મીડિયા પર વાયરલ થતી અસંખ્ય પોસ્ટમાં કોળાને દેશનું સત્તાવાર શાકભાજી જાહેર કરવામાં આવ્યું હોવાનો દાવો કરાય છે. સત્તાવાર મહોર ન હોવા છતાં તેને રાષ્ટ્રીય શાકભાજી તરીકે રજૂ કરવા પાછળ કેટલાક મજબૂત તર્કો આપવામાં આવે છે. ભારત એક વિશાળ કૃષિપ્રધાન દેશ છે જ્યાં મોટાભાગના રાજ્યો ગરમ આબોહવા ધરાવે છે. કોળાની ખેતી માટે આ પ્રકારનું વાતાવરણ ખૂબ જ અનુકૂળ હોવાથી દેશના લગભગ તમામ ભાગોમાં તેનું મોટા પાયે ઉત્પાદન થાય છે.

નમકીન અને મીઠી વાનગીઓ, બંનેમાં લોકપ્રિય
કોળું એક એવું અદ્ભુત શાકભાજી છે જેનો ઉપયોગ ભારતીય રસોઈમાં મીઠી અને નમકીન બંને પ્રકારની વાનગીઓ બનાવવા માટે થાય છે. દેશના અલગ-અલગ વિસ્તારોમાં તેને મસાલા અને દાળ સાથે મિક્સ કરીને સ્વાદિષ્ટ કરી (Curry) બનાવવામાં આવે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં તેમાંથી સ્વાદિષ્ટ મીઠાઈઓ અને ડેઝર્ટ (Dessert) પણ તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત, કોળું કદમાં ઘણું મોટું હોય છે, જેથી એક જ કોળું આખા પરિવાર અથવા ઘણા લોકોના ભોજન માટે પૂરતું થઈ રહે છે. આ વિશિષ્ટતા પણ તેનું મહત્ત્વ વધારે છે.

લાંબા સમય સુધી સંગ્રહ કરવાની અદભુત ક્ષમતા
કોળાની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને રેફ્રિજરેટર (Refrigerator) વગર પણ કેટલાય અઠવાડિયા સુધી સુરક્ષિત રાખી શકાય છે. તેની બહારનું જાડું પડ (Outer Layer) અંદરની ભેજ અને ગુણવત્તાને જાળવી રાખે છે, જેના કારણે તે લાંબા સમય સુધી બગડતું નથી. વળી, કોળાનો વેલો ખૂબ જ મોટા વિસ્તારમાં ફેલાય છે અને તે ખૂબ જ ઓછી મહેનતે એક જ સીઝનમાં અસંખ્ય ફળ આપે છે. આ ઊંચા ઉત્પાદનને કારણે તે દેશભરમાં સસ્તા દરે ઉપલબ્ધ રહે છે.

15 થી વધુ પોષક તત્વોનો ખજાનો
આરોગ્યની દ્રષ્ટિએ પણ કોળું ગુણોનો ભંડાર છે. તેમાં આશરે ૧૫ થી વધુ અગત્યના પોષક તત્વો (Nutrients) જોવા મળે છે. કોળામાં મુખ્યત્વે વિટામિન-એ (Vitamin-A), વિટામિન-સી (Vitamin-C), વિટામિન-ઈ (Vitamin-E), વિટામિન-કે (Vitamin-K), પોટેશિયમ (Potassium), કોપર (Copper), મેગ્નેશિયમ (Magnesium), ઝિંક (Zinc) અને કેલ્શિયમ (Calcium) જેવા તત્વો ભરપૂર માત્રામાં હોય છે. માત્ર તેનું શાક જ નહીં, પણ તેના બીજને શેકીને હેલ્ધી સ્નેક્સ (Snacks) તરીકે પણ ખાવામાં આવે છે. આ તમામ લોકપ્રિય ગુણોને કારણે લોકોએ તેને મનોમન રાષ્ટ્રીય શાકભાજી માની લીધું છે, પરંતુ સરકારી દસ્તાવેજોમાં આવો કોઈ ઉલ્લેખ નથી. તેથી કોળું જરૂર ખાઓ, પણ તેને સત્તાવાર રાષ્ટ્રીય શાકભાજી માનવાની ભૂલ ન કરશો.