Delimitation Bill: કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા મહિલા અનામત અને પરિસીમન બિલને ફરીથી સંસદમાં લાવવા માટે પડદા પાછળ જોરદાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ વખતે આ બિલ એક મોટા સુધારા એટલે કે સંશોધન બિલ તરીકે લોકસભામાં રજૂ કરવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નવા સંશોધિત બિલમાં મહિલાઓને 33 ટકા અને દલિતોને 20 ટકા અનામત આપવાની વિશેષ જોગવાઈ કરવામાં આવશે. આ અગાઉ એપ્રિલ 2026માં લોકસભા (Lok Sabha) માં પૂરતી બે-તૃતીયાંશ બહુમતી ન હોવાના કારણે આ મહત્ત્વપૂર્ણ બિલ પસાર થઈ શક્યું ન હતું. આ એક બંધારણીય સુધારા વિધેયક હોવાથી સંસદના બંને ગૃહોમાં તેને પાસ કરાવવા માટે બે-તૃતીયાંશ સાંસદોનું સમર્થન મેળવવું અનિવાર્ય છે. ઈકોનોમિક ટાઈમ્સ (Economic Times) ના અહેવાલ મુજબ, આગામી ચોમાસુ સત્ર (Monsoon Session) માં આ બિલ રજૂ થશે કે નહીં તે અંગે હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
શું છે પરિસીમન અને મહિલા બિલ?
સરળ શબ્દોમાં કહીએ તો પરિસીમન એટલે લોકસભા અને વિધાનસભા બેઠકોની વર્તમાન ભૌગોલિક સીમાઓનું પુનઃનિર્ધારણ કરવું. વસ્તીના આધારે સમયાંતરે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ની સરકાર પરિસીમન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ દેશમાં નવી વ્યવસ્થા સાથે મહિલા અનામતને સંપૂર્ણપણે લાગુ કરવા માંગે છે. અગાઉના બિલમાં લોકસભાની બેઠકો 543થી વધારીને 850 કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આ સંશોધિત બિલમાં બેઠકોની અંતિમ સંખ્યા અંગે રહસ્ય રાખવામાં આવ્યું છે.
લોકસભામાં બહુમતીનું ગણિત અને ભાજપના 4 માસ્ટરપ્લાન
અગાઉ આ બિલના પક્ષમાં 298 અને વિરોધમાં 230 મત પડ્યા હતા, જ્યારે બિલ પાસ કરાવવા 352 સાંસદોની જરૂર હતી. હાલમાં શિવસેના (Shiv Sena UBT) અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં ભંગાણ બાદ એનડીએ (NDA) ની સભ્યસંખ્યા 319 પર પહોંચી છે. બહુમતી માટે હજુ 33 સાંસદો ખૂટે છે, જે મેળવવા ભાજપ આ ચાર વ્યૂહરચના અપનાવી શકે છે:
- અન્ય અને અપક્ષ સાંસદો પર નજર: સંસદમાં 16 અન્ય સાંસદો છે, જેમાં આંધ્રપ્રદેશ (Andhra Pradesh) ની વાયએસઆર કોંગ્રેસ (YSRCP) ના 4 સાંસદો છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ (Chandrababu Naidu) પણ એનડીએના સહયોગી તરીકે આ બિલ પાસ કરાવવા સક્રિય છે.
- ડીએમકે (DMK) નો સાથ મેળવવો: તમિલનાડુ (Tamil Nadu) ની સત્તાધારી પાર્ટી ડીએમકે પાસે 22 સાંસદો છે. તાજેતરમાં તેમણે વિપક્ષી ઈન્ડિયા (INDIA Alliance) ગઠબંધનની બેઠકનો બહિષ્કાર કર્યો હતો, જેથી ભાજપ જૂની મિત્રતા સજીવન કરવા પ્રયાસ કરી શકે છે.
- એનસીપી (NCP) માં સંભવિત ભંગાણ: શરદ પવાર (Sharad Pawar) ની પાર્ટી એનસીપી પાસે હાલ 8 સાંસદો છે. રાજકીય વર્તુળોમાં આ પક્ષમાં ફરી મોટી ભંગાણની ચર્ચાઓ ચાલી રહી છે.
- કોંગ્રેસ (Congress) માં ગાબડું: ભૂતકાળમાં જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) માંથી કલમ 370 હટાવતી વખતે કોંગ્રેસના ભુવનેશ્વર કલીતા (Bhubaneswar Kalita) એ બાગી થઈને રાજીનામું આપ્યું હતું. આ વખતે પણ કોંગ્રેસના અસંતુષ્ટ સાંસદો વ્હીપ ઉલ્લંઘન કરે તેવી પૂરી સંભાવના છે.












