Narmada Court Verdict: નર્મદા (Narmada) જિલ્લા સેશન્સ કોર્ટ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) ના લોકપ્રિય આદિવાસી નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) ને ફોરેસ્ટ કર્મચારી પર હુમલો કરવાના તેમજ હવામાં ફાયરિંગ કરવાના ચકચારી કેસમાં દોષિત જાહેર કરી 7વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. આ સાથે જ કોર્ટે તેમને રૂપિયા 96,000 નો આર્થિક દંડ પણ કર્યો છે. આ કેસમાં ચૈતર વસાવા ઉપરાંત અન્ય 8 આરોપીઓ સહિત કુલ 9 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા છે.
તમામ આરોપીઓ વડોદરા જેલ હવાલે: પાકા કામના કેદી બન્યા
કોર્ટનો ચુકાદો આવ્યા બાદ તુરંત જ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરીને ધારાસભ્ય ચૈતર વસાવા સહિત તમામ 9 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડી (Judicial Custody) માં લેવામાં આવ્યા હતા. આ તમામ દોષિતોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વડોદરા સેન્ટ્રલ જેલ (Vadodara Central Jail) ખાતે મોકલી દેવામાં આવ્યા છે. 7વર્ષની સજા મંજૂર થતાં જ ધારાસભ્ય ચૈતર વસાવા હવે જેલમાં ‘પાકા કામના કેદી’ તરીકે પોતાની સજા કાપશે. આ ચુકાદાને પગલે ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.
કોર્ટના ચુકાદા પર ચૈતર વસાવા અને વકીલનું નિવેદન
સજાની જાહેરાત બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “નામદાર સેશન્સ કોર્ટે એક જૂના કેસમાં મને 7વર્ષની સજા ફટકારી છે. અમે ભારતીય ન્યાયપાલિકા અને નામદાર કોર્ટના આ ચુકાદાનો સંપૂર્ણ આદર કરીએ છીએ.” બીજી તરફ, ચૈતર વસાવાના વકીલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “અમે સેશન્સ કોર્ટના આ ચુકાદા સામે સહમત નથી અને આની સામે હાઇકોર્ટ (High Court) માં અપીલ કરીશું. નિયમ મુજબ એક મહિનાની અંદર હાઇકોર્ટમાં અપીલ કરવાની હોય છે, તેથી અમે ટૂંક સમયમાં જ જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને કાયદાનો આશરો લઈશું.”
ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી નેતાઓ મેદાને
આ ચુકાદો આવતાની સાથે જ આદિવાસી સમાજના અન્ય અગ્રણી નેતા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ (Anant Patel) ચૈતર વસાવાના સમર્થનમાં ખુલ્લેઆમ મેદાને આવ્યા છે. અનંત પટેલે સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, “ન્યાયપાલિકાના આ ચુકાદા અંગે અમને પહેલેથી જ શંકા હતી. ભાજપ સરકાર સામે જે પણ આદિવાસી નેતા અવાજ ઉઠાવે છે, તેના પર અત્યાચાર ગુજારવામાં આવે છે અને ખોટા કેસોમાં ફસાવવામાં આવે છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, “અમારા પર પણ ભૂતકાળમાં હુમલા થયા હતા, છતાં અસલી ગુનેગારોને જામીન મળી ગયા હતા. આ સરકાર આગામી સમયમાં મનસુખભાઈ વસાવા (Mansukh Vasava) કે દર્શનાબેન વસાવા (Darshana Vasava) જેવા નેતાઓને પણ ખોટા કેસમાં ફસાવી શકે છે. આ માત્ર ચૈતરભાઈની લડાઈ નથી, પરંતુ સમગ્ર આદિવાસી સમાજની લડાઈ છે અને અમે તમામ આદિવાસીઓ ચૈતરભાઈની સાથે જ રહીશું.”













