Gujarat24

ગુજરાતમાં 4 વર્ષમાં 1063 વિદ્યાર્થીઓની આત્મહત્યા: કોંગ્રેસનો મોટો બ્લાસ્ટ!

Share On :

GPSC UPSC NEET Exams

Student Suicide Cases: ગુજરાતમાં વિદ્યાર્થીઓના આત્મહત્યાના આંકડાએ ચિંતાજનક સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા ચાર વર્ષમાં રાજ્યમાં કુલ 1063 વિદ્યાર્થીઓએ પોતાના જીવન ટૂંકાવી દીધા હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે. આ ગંભીર મુદ્દે કોંગ્રેસ (Congress) પક્ષે સત્તાધારી ભાજપ (BJP) સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશી (Dr. Manish Doshi) એ આક્ષેપ કર્યો છે કે સરકારની ખોટી નીતિઓ, વારંવાર થતા પેપર લીક અને વધતી બેરોજગારીને કારણે રાજ્યનો યુવા વર્ગ માનસિક તણાવમાં જીવી રહ્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે માત્ર એક જ વર્ષમાં એટલે કે 2024-25 દરમિયાન રેકોર્ડબ્રેક 568 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે, જે દર્શાવે છે કે સ્થિતિ વર્ષોવર્ષ વધુ વણસી રહી છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (National Crime Records Bureau – NCRB) ના દેશવ્યાપી આંકડા ટાંકીને કોંગ્રેસે જણાવ્યું હતું કે, ભારતમાં વર્ષ 2019થી 2024 દરમિયાન 63,915 બાળકો અને કિશોરોએ આત્મહત્યા કરી છે. આ ગણતરી મુજબ દેશમાં સરેરાશ દરરોજ 40થી 45 કિશોરો મોતને વહાલું કરી રહ્યા છે. શૈક્ષણિક દબાણ આ માટેનું સૌથી મોટું કારણ સાબિત થઈ રહ્યું છે. માત્ર પરીક્ષામાં નિષ્ફળતા મળવાને કારણે જ દેશભરમાં 30 વર્ષથી ઓછી ઉંમરના 12,598 યુવાનોએ પોતાનું જીવન ગુમાવ્યું છે. કોંગ્રેસે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, વર્તમાન શાસનમાં વિદ્યાર્થીઓના માત્ર સપનાઓ જ નહીં, પરંતુ તેમના કિંમતી જીવન પણ છીનવાઈ રહ્યા છે.

કોંગ્રેસ નેતા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓ જેવી કે NEET, JEE, CUET ઉપરાંત રાજ્ય સ્તરની GPSC અને UPSC સહિતની મહત્વની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિઓ અટકાવવામાં સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે. પેપર માફિયાઓના ગઠબંધન અને સ્પર્ધાના નામે થઈ રહેલી લૂંટ પર તાત્કાલિક રોક લગાવવી અનિવાર્ય બની ગઈ છે. વારંવાર રદ થતી પરીક્ષાઓ અને પરિણામોમાં થતા વિલંબથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું છે.

આ ગંભીર શૈક્ષણિક અને માનસિક કટોકટીમાંથી બહાર નીકળવા માટે કોંગ્રેસે સરકાર સમક્ષ તાકીદની માંગણીઓ મૂકી છે. રાજ્યની તમામ શાળાઓ અને કોલેજોમાં ફરજિયાત કાઉન્સેલિંગ સેન્ટર (Counseling Center) અને ખાસ માનસિક હેલ્પલાઈન (Helpline) શરૂ કરવામાં આવે જેથી કોઈ પણ વિદ્યાર્થી એકલતા કે તણાવ અનુભવે તો તેને તાત્કાલિક મદદ મળી શકે. આ ઉપરાંત, વર્તમાન શૈક્ષણિક વાતાવરણમાં ધરખમ બદલાવ લાવવાની અને વિદ્યાર્થીઓ પરથી બિનજરૂરી માનસિક બોજ ઘટાડવાની માંગ પણ કરવામાં આવી છે.