New Solar Policy 2026: સરકારે 1 જૂનથી સોલર પોલિસી (Solar Policy) માં એક મોટો ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. આ ફેરફારની સીધી અસર સોલર ઇન્ડસ્ટ્રી (Solar Industry) ની સાથે સાથે સામાન્ય ગ્રાહકો પર પણ પડવાની છે. જો કે, સરકારના આ પગલાથી સ્થાનિક ઉત્પાદન એટલે કે લોકલ મેન્યુફેક્ચરિંગ (Local Manufacturing) ને મોટો વેગ મળશે અને ભવિષ્યમાં ‘મેડ ઇન ઇન્ડિયા’ (Made in India) સોલર પેનલ્સ બજારમાં વધુ પ્રમાણમાં જોવા મળશે. પરંતુ સામાન્ય લોકોમાં અત્યારે એ જ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે શું ઘરની છત પર સોલર પેનલ લગાવવી મોંઘી થઈ જશે? અને ગ્રાહકોએ હવે કેટલો વધારાનો ખર્ચ કરવો પડશે?
શું છે આ નવી સોલર પોલિસી?
ઘરની છતો પર લગાવવામાં આવતી સોલર પેનલ (Solar Panel) એક જટિલ પ્રક્રિયા દ્વારા તૈયાર થાય છે. તેમાં રહેલા સોલર સેલ (Solar Cell) સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને વીજળી ઉત્પન્ન કરે છે. અત્યાર સુધી ભારતમાં બે પ્રકારની પેનલ મળતી હતી. પ્રથમ, જેમાં વિદેશથી, ખાસ કરીને ચીન (China) થી સોલર સેલ આયાત કરીને ભારતમાં માત્ર અસેમ્બલ કરવામાં આવતા હતા. બીજા, જે સંપૂર્ણપણે ભારતમાં જ બનેલા સેલનો ઉપયોગ કરીને લોકલી મેન્યુફેક્ચર થતા હતા.
નવી પોલિસી હેઠળ સરકારે નવી એએલએમએમ (ALMM – Approved List of Models and Manufacturers) લિસ્ટ-2 જાહેર કરી છે. આ યાદીમાં માત્ર એ જ કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જે ભારતમાં જ સોલર સેલનું ઉત્પાદન કરે છે. ભારતમાં મોટાભાગના લોકો પીએમ સૂર્ય ઘર – મફત વીજળી યોજના (PM Surya Ghar: Muft Bijli Yojana) હેઠળ સોલર પેનલ લગાવે છે, જેમાં સરકાર મોટી સબસિડી (Subsidy) આપે છે. હવે નવા નિયમ મુજબ, જો ગ્રાહકો આ નવી એએલએમએમ લિસ્ટવાળી કંપનીઓની પેનલ લગાવશે, તો જ તેમને સબસિડી અને નેટ મીટરિંગ (Net Metering) નો લાભ મળશે. આ નિયમ બિઝનેસ અને ઇન્ડસ્ટ્રિયલ (Business and Industrial) ગ્રાહકોને પણ લાગુ પડશે.
ગ્રાહકો પર શું અસર થશે અને ખર્ચ કેટલો વધશે?
સોલર ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતોના મતે, આ નવી નીતિને કારણે રૂફટોપ સોલર સિસ્ટમ (Rooftop Solar System) લગાવવાનો ખર્ચ પ્રતિ કિલોવોટ (Per Kilowatt) આશરે 3,000 રૂપિયા જેટલો વધી શકે છે. આનું મુખ્ય કારણ એ છે કે ભારતમાં બનેલા સોલર સેલ, ચીનથી આયાત કરાયેલા સેલ કરતા મોંઘા છે. ઉદાહરણ તરીકે, જો તમે તમારા ઘર પર 5 કિલોવોટ (5 KW) ની સિસ્ટમ લગાવો છો, તો તમારે આશરે 15,000 રૂપિયા જેટલો વધારાનો ખર્ચ કરવો પડી શકે છે. આ ઉપરાંત, સબસિડી મેળવવા માટે પેપરવર્ક (Paperwork) અને સ્ક્રુટિની (Scrutiny) એટલે કે દસ્તાવેજોની તપાસ પણ વધી જશે.
સરકાર તરફથી કેટલી મળે છે સબસિડી?
પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ સરકાર 1 કિલોવોટ પર 30,000 રૂપિયા, 2 કિલોવોટ પર 60,000 રૂપિયા અને 3 કિલોવોટ કે તેથી વધુ પર 78,000 રૂપિયાની સબસિડી આપે છે. આ ઉપરાંત ડિસ્કોમ (DISCOM) દ્વારા વેરિફિકેશન થયા બાદ સબસિડી સીધી બેંક ખાતામાં આવે છે અને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળીનો લાભ પણ મળે છે.












