Gujarat24

રીંછના પેટમાં એવું તે શું થાય છે કે બીજ બની જાય છે શક્તિશાળી છોડ?

Share On :

Wildlife Conservation

Aravalli Range: રાજસ્થાન (Rajasthan) ના શુષ્ક અને તળાવોથી ઘેરાયેલા અરવલ્લીના જંગલો (Aravalli Range) માં એક અદભૂત કુદરતી પ્રક્રિયા સામે આવી છે. સામાન્ય રીતે સ્લોથ બેર (Sloth Bear) એટલે કે રીંછને આપણે આળસુ અથવા માત્ર મધ ખાતા પ્રાણી તરીકે જ જોતા હોઈએ છીએ. પરંતુ તાજેતરમાં થયેલા એક વૈજ્ઞાનિક સંશોધને સાબિત કર્યું છે કે આ રીંછ અરવલ્લીના જંગલોમાં એક કુશળ માળી (Gardener) ની ભૂમિકા ભજવી રહ્યા છે. રીંછ જે ફળો ખાય છે, તેના બીજ જ્યારે તેમના પાચનતંત્રમાંથી પસાર થઈને મળ (Scat) દ્વારા બહાર નીકળે છે, ત્યારે તે બીજમાંથી નવા છોડ ખૂબ જ ઝડપથી અને મજબૂતાઈથી ઉગી નીકળે છે. આ પ્રક્રિયાથી અરવલ્લીના જંગલોને નવું જીવન મળી રહ્યું છે.

ત્રણ વૈજ્ઞાનિકોની ટીમે શોધ્યું સત્ય
આ રસપ્રદ અને મહત્વપૂર્ણ અભ્યાસનું નામ ‘સિઝનલ ડાયટ એન્ડ સીડ ડિસ્પર્સલ બાય સ્લોથ બેર્સ મેલુરસસ અર્સિનસ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા’ (Seasonal Diet And Seed Dispersal By Sloth Bears Melursus Ursinus in Western India) છે. આ સંશોધનને ટૂંક સમયમાં જ પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ જર્નલ ‘બાયોટ્રોપિકા’ (Biotropica) માં પ્રકાશિત કરવામાં આવશે. આ રિસર્ચ ત્રણ વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં પીએચડી (PhD) સ્કોલર ઉત્કર્ષ પ્રજાપતિ (Utkarsh Prajapati), સ્વતંત્ર સંશોધક ડૉ. કે.એસ. ગોપી સુંદર (Dr. K.S. Gopi Sundar) અને ઉદયપુર (Udaipur) ની યુનિવર્સિટીના સંશોધક વિજય કુમાર કોલી (Vijay Kumar Koli) નો સમાવેશ થાય છે.

લેબોરેટરી અને જંગલમાં અનોખો પ્રયોગ
વૈજ્ઞાનિકોએ રીંછની ખાવા-પીવાની આદતો અને બીજના ફેલાવા (Seed Dispersal) ને સમજવા માટે શિયાળા અને ઉનાળાની ઋતુમાં રીંછના મળના સેમ્પલ એકઠા કર્યા હતા. ત્યારબાદ, રીંછના પેટમાંથી પસાર થયેલા બીજ અને સીધા ઝાડ પરથી તોડેલા સામાન્ય બીજને અલગ-અલગ ઉગાડીને પ્રયોગો કરવામાં આવ્યા હતા. આ ટેસ્ટનો મુખ્ય હેતુ એ જાણવાનો હતો કે કયા બીજ વધુ સારી રીતે અંકુરિત થાય છે અને કયા છોડ લાંબા સમય સુધી જીવિત રહીને વૃક્ષ બને છે.

કુદરતનો ચમત્કાર: બીજમાં આવ્યા આ બદલાવ
રિસર્ચમાં 6 અલગ-અલગ વનસ્પતિની પ્રજાતિઓના બીજ રીંછના પાચન પછી પણ સુરક્ષિત જોવા મળ્યા હતા. ચોંકાવનારી વાત એ સામે આવી કે ‘લેન્ટાના કેમારા’ (Lantana camara) નામની વિદેશી આક્રમક ઝાડીના બીજ માત્ર ત્યારે જ અંકુરિત થયા જ્યારે તે રીંછના પેટમાંથી બહાર આવ્યા હતા. બીજી તરફ, ‘ડોન્કી બેરી’ (Grewia flavescens) ના કિસ્સામાં સીધા ઝાડ પરથી તોડેલા બીજ વધુ સફળ રહ્યા. જ્યારે ‘તેંદુ’ અથવા કોરોમંડલ એબની (Diospyros melanoxylon) ના બીજ રીંછના પાચનતંત્રમાંથી પસાર થયા બાદ જે છોડ બન્યા, તે સામાન્ય છોડ કરતાં વધુ મજબૂત અને લાંબુ આયુષ્ય ધરાવતા હતા.

ઋતુ પ્રમાણે બદલાતું રીંછનું મેન્યુ
અરવલ્લીના રીંછોમાં અદ્ભુત ડાયેટ્રી પ્લાસ્ટિસિટી (Dietary Plasticity) એટલે કે ખોરાક બદલવાની ક્ષમતા જોવા મળી છે. શિયાળામાં રીંછ પોતાની પસંદગીના ફળો ખાય છે, જ્યારે ઉનાળામાં ફળોની અછત સર્જાતા તેઓ કીડા, મકોડા અને ઊધઈ (Termites) ખાવાનું શરૂ કરી દે છે. કુદરતે તેમનું શરીર મુખ્યત્વે કીટકો ખાવા માટે બનાવ્યું હોવા છતાં, તેઓ જંગલની વનસ્પતિ ટકાવી રાખવામાં મોટો ફાળો આપે છે.

ઇકોસિસ્ટમ માટે કેમ જરૂરી છે રીંછ?
‘ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર’ (IUCN) દ્વારા રીંછને જોખમમાં મુકાયેલી એટલે કે વલ્નરેબલ (Vulnerable) પ્રજાતિની યાદીમાં રાખવામાં આવ્યું છે. આ નવી સ્ટડીએ ભારતમાં પહેલીવાર પ્રાયોગિક રીતે સાબિત કર્યું છે કે પાણી અને સંસાધનોની અછત ધરાવતા અરવલ્લીના અર્ધ-શુષ્ક જંગલોની હરિયાળી અને સંપૂર્ણ ઇકોસિસ્ટમ (Ecosystem) ને જીવંત રાખવા માટે રીંછ કેટલા અનિવાર્ય છે.