Gujarat24

20 લાખના મુદ્દામાલ સાથે પરપ્રાંતિય ગેંગ પકડાઈ; કુવાડિયા ગોડાઉન પર પોલીસનો મોટો દરોડો

Share On :

Gujarat Police Success

Khambhaliya Police: જામ ખંભાળિયા ખાતે નિર્માણ પામી રહેલી એરફોર્સ કન્સ્ટ્રક્શન સાઇટ પરથી તાજેતરમાં રૂપિયા 15 લાખની કિંમતના લોખંડના સળિયાની મોટી ચોરી થવાની ઘટના સામે આવી હતી. આ હાઇપ્રોફાઇલ ચોરીના મામલામાં જામ ખંભાળિયા પોલીસની ટીમે અત્યંત સરાહનીય કામગીરી કરીને ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ ચોરી અન્ય કોઈએ નહીં, પરંતુ તે જ કન્સ્ટ્રક્શન કંપનીમાં મજૂરી કામ કરતા ત્રણ પરપ્રાંતિય મજૂરોએ ભેગા મળીને આચરી હોવાનો પર્દાફાશ થયો છે.

CCTV અને ટેક્નિકલ એનાલિસિસની મદદથી પોલીસને મળી સફળતા
એરફોર્સ સાઇટ જેવી સંવેદનશીલ જગ્યાએ ચોરી થતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડાની સૂચના હેઠળ અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ, આધુનિક ટેક્નિકલ એનાલિસિસ અને સ્થાનિક બાતમીદારોની સચોટ માહિતીના આધારે તપાસનો દોર આગળ ધપાવ્યો હતો. આ સંયુક્ત તપાસ દરમિયાન પોલીસને ચોક્કસ કડીઓ મળી હતી કે કંપનીના જ કેટલાક મજૂરો શંકાસ્પદ પ્રવૃત્તિમાં સામેલ છે.

ટ્રેક્ટરમાં સ્પેશિયલ ખાનું બનાવી કરતા હતા હેરાફેરી
આરોપીઓની પૂછપરછ અને તપાસ દરમિયાન તેમની ચોરી કરવાની અનોખી મોડસ ઓપરેન્ડી જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ તસ્કર ત્રિપુટીએ ચોરીના લોખંડના સળિયાની હેરાફેરી કરવા માટે એક ટ્રેક્ટરની ટ્રોલીમાં ખાસ પ્રકારનું ગુપ્ત ખાનું (ચોરખાનું) બનાવ્યું હતું. આ ગુપ્ત ખાનામાં તેઓ સળિયા છુપાવી દેતા હતા, જેથી કોઈને પણ શંકા ન જાય અને સાઇટની બહાર સરળતાથી માલ વટી શકાય. આ યુક્તિથી તેઓએ અંદાજે 25,000 કિલો લોખંડના સળિયાની ચોરી કરી હતી.

કુવાડિયા ગામના ગોડાઉન પર દરોડો: 20.10 લાખનો મુદ્દામાલ જપ્ત
બાતમીના આધારે પોલીસે કુવાડિયા ગામ નજીક આવેલા એક ગોડાઉન પર ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે ચોરીના 25હજાર કિલો લોખંડના સળિયાનો જથ્થો શોધી કાઢ્યો હતો અને ત્રણેય આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે ઘટનાસ્થળેથી ચોરીના તમામ સળિયા, ગુનામાં વપરાયેલું ટ્રેક્ટર-ટ્રોલી અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 20.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ પોલીસે ત્રણેય પરપ્રાંતિય આરોપીઓ સામે કાયદેસરનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે અને આ ચોરીમાં અન્ય કોઈ સ્થાનિક શખ્સો સામેલ છે કે કેમ તે અંગે આગળની સઘન તપાસ હાથ ધરી છે.