Gujarat24

છેલ્લા 1 વર્ષથી સરકાર હસ્તક છે ભવનાથ મંદિર, જાણો કેમ સાધુઓએ ઉપાડ્યો અવાજ?

Share On :

Guru Shishya Parampara

Junagadh, Bhavnath Temple: ગુજરાતના સુપ્રસિદ્ધ તીર્થધામ જૂનાગઢ ખાતે આવેલા ઐતિહાસિક ભવનાથ મંદિર ના સંચાલન અને મહંતની નિમણૂકને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. છેલ્લા એક વર્ષથી આ પવિત્ર મંદિરનું સંચાલન સરકાર હસ્તક છે, જેને પગલે સાધુ સંતોમાં તીવ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. સંતોની માગ છે કે મંદિરનો વહીવટ સરકારી તંત્ર પાસેથી લઈને પરંપરાગત સનાતની પદ્ધતિથી સોંપવામાં આવે.

હરિગીરી બાપુની પુનઃ નિમણૂકનો પ્રબળ વિરોધ
ભવનાથ મંદિરના પૂર્વ મહંત હરિગીરી બાપુની ફરીથી આ પદ પર નિમણૂક ન થાય તે માટે જૂનાગઢના અનેક સાધુ-સંતો અને અખાડાના પ્રતિનિધિઓ મેદાને આવ્યા છે. સંતોનો એક મોટો વર્ગ હરિગીરી બાપુની કાર્યશૈલી અને વહીવટ સામે નારાજગી વ્યક્ત કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ વિવાદો વધતા સરકાર દ્વારા મંદિરમાં વહીવટીદારની નિમણૂક કરવામાં આવી હતી, ત્યારથી મંદિરની તમામ નાણાકીય અને વહીવટી પ્રક્રિયા સરકારી અધિકારીઓ સંભાળી રહ્યા છે.

અમરગીરી બાપુનો વીડિયો વાયરલ: સરકાર સમક્ષ મોટી માગ
આ સમગ્ર વિવાદ વચ્ચે ભવનાથ મંદિર પરિસરના જાણીતા સંત અમરગીરી બાપુએ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. આ વાયરલ વીડિયોમાં તેમણે સનાતન ધર્મની સદીઓ જૂની પરંપરાઓનો હવાલો આપ્યો છે. અમરગીરી બાપુએ સરકાર પાસે સ્પષ્ટ માગ કરી છે કે ધાર્મિક સ્થાનોમાં સરકારી દખલગીરી બંધ થવી જોઈએ અને ગુરુ-શિષ્યની પરંપરા મુજબ જ નવા મહંતની નિમણૂક તાકીદે કરવામાં આવે.

સાધુ સમાજનું કહેવું છે કે મંદિર એ આસ્થાનું કેન્દ્ર છે, કોઈ સરકારી કચેરી નથી. જો આગામી દિવસોમાં ગુરુ-શિષ્ય પરંપરા મુજબ યોગ્ય મહંતની નિમણૂક કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં સાધુ સંતો દ્વારા ઉગ્ર આંદોલન અથવા કાનૂની લડત પણ લડવામાં આવી શકે છે. હાલમાં આ વીડિયો વાયરલ થતાં જ જૂનાગઢના ધાર્મિક અને રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો આવી ગયો છે.